200થી વધુ સભાસદોની જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત
ઠરાવ વિના નિયમો વિરૂદ્ધ સભાસદોને જાણ કર્યા વગર પંચાયતની જમીનમાં મકાન બનાવવાનું શરૂ
બોરસદ તાલુકાની અલારસા દૂધ મંડળીના ૨૦૦થી વધુ સભાસદોએ આક્ષેપો સાથે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અલારસા દૂધ મંડળી દ્વારા નવું મકાન બનાવવાની કામગીરી ચાલુ થઈ છે. આ બાબતે સામાન્ય સભામાં કોઈપણ જાતનો ઠરાવ કરાયો નથી. જે જગ્યાએ મકાનનું કામ શરૂ છે તે જગ્યા પંચાયતની છે કે કોની તે બાબતે પણ કોઈ સ્પષ્ટતા કર્યા વગર કામ શરૂ કરી દેવાયું છે. જગ્યાની સ્થળ તપાસ કરતા માત્ર દીવાલનું કામ શરૂ થયું છે, મકાનનું કામ શરૂ કરવામાં આવ્યું નથી છતાં મંડળીમાંથી મકાનના કામ માટે રૂા. ૨૦ લાખની કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી દેવાઈ છે.
મંડળીમાં વહીવટ કરતાઓ દ્વારા મનસ્વી રીતે દૂધ મંડળીના નાણાંનો દૂરઉપયોગ કરાતા સભાસદોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. મંડળીનું હાલનું મકાન મજબૂત અને સુરક્ષિત હોવા છતાં વ્યવસ્થાપક સમિતિને વિશ્વાસમાં લીધા વગર, સભાસદોની મંજૂરી કે જામ વિરૂદ્ધ રૂા. ૨૦ લાખ ફાળવી ભ્રષ્ટાચાર કરી સભાસદોના દૂધનો નફો ઓછો આપવાનો હેતુ જણાઈ રહ્યો છે. ત્યારે સત્વરે આ બાબતે તપાસ કરવાની માંગણી છે.
અલારસા દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરીની મનસ્વી કામગીરી સામે સભાસદો આગામી દિવસોમાં દૂધ મંડળીની સામાન્ય સભામાં મોટો હોબાળો મચાવે તેવી સંભાવના છે.


