Gujarat

રાજ્યમાં લગ્નનોંધણી ઓનલાઈન કરવા તજવીજ,રાજકોટમાં હાલ દંપતિઓ હેરાન

By GS Team
5 Mar 20222 mins read
This article was originally published on 5 Mar 2022
રાજ્યમાં લગ્નનોંધણી ઓનલાઈન કરવા તજવીજ,રાજકોટમાં હાલ દંપતિઓ હેરાન

બજેટમાં જોગવાઈ, તંત્ર સક્ષમ છતાં મનપાએ સેવા ઓનલાઈન ન કરી હવે આરોગ્ય શાખામાં રોજ 60થી 70  લગ્નનોંધણી છતાં એક પણ  ક્લાર્ક  જ નથી! બે ડેટા એન્ટ્રી ઓપરેટરો પણ આઉટસોર્સિંગના

રાજકોટ, : રાજકોટ મહાપાલિકાએ બજેટમાં બે વર્ષ પહેલા જોગવાઈ કરી, જાહેરાત કરી અને મનપાનો કોમ્પ્યુટર વિભાગ આ માટે પૂરતો સજ્જ છતાં હજુ સુધી લગ્નનોંધણી ઓનલાઈન નહીં કરાતા શહેરમાં સેંકડો દંપત્તિઓએ લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે ભારે પરેશાની વેઠવી પડે છે. મનપાએ આ કામગીરી નથી કરી ત્યારે હવે રાજ્ય સરકાર રાજ્યભરમાં લગ્નનોંધણી ઓનલાઈન કરવા વિચારી રહ્યાનું જાણવા મળ્યું છે. જેના પગલે મનપાએ આ એકમાત્ર સર્વિસ ઓનલાઈન કરવાનું માંડી વાળ્યું છે.

કાયદાકીય આધાર પૂરાવા માટે લગ્નની નોંધણી જરૂરી હોય અને આ અંગે લોકોમાં જાગૃતિ આવી હોય વીસ-ત્રીસ વર્ષ પહેલા લગ્ન કરનારા તે નોંધાવવાનું ટાળતા તેના બદલે હવે લગ્ન નોંધણી લગ્ન પછી થોડા સમયમાં જ કરાવી લેવાતી હોય છે. પરંતુ, મનપામાં આ કામગીરી સંભાળતા આરોગ્ય શાખા માટે આ માટે એક પણ ક્લાર્ક નથી, બે ડેટા એન્ટ્રી ઓપરેટરો પણ આઉટસોર્સિંગથી રખાયા હતા જેને બે દિવસ પહેલા પરત ખેંચી લેવાતા વ્યાપક ફરિયાદો ઉઠતા આજે ડેપ્યુટી મેયરે પણ આરોગ્ય શાખામાં આ મુદ્દે તપાસ કરી હતી. 

મનપા સૂત્રો અનુસાર શહેરમાં રોજ 60થી 70 લગ્નોની નોંધ થાય છે જેમાં સોગંદનામા સહિત 12 દસ્તાવેજો  જરૂરી હોય છે. હાલના કાયદા મૂજબ ફોર્મમાં મારી રૂબરૂ દંપત્તિની સહી એવી જોગવાઈ હોવાથી ઓનલાઈન સર્વિસ ઢીલમાં મુકાઈ છે. જો કે આ વેરીફીકેશન હવે ઓનલાઈન  સરળ અને સંભવ છે પરંતુ, હવે સરકાર આવું કરશે તેમ માની મનપા આગળ વધતી નથી. ભૂતકાળના અનુભવો મૂજબ સરકાર કરતા મનપાના સોફ્ટવેર જે સ્થાનિક જરૂરિયાત મૂજબ હોય છે તે વધુ અસરકારક રહ્યા છે.