ફરિયાદ બાદ પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતાએ દરોડો પાડયો
પર્યાવરણની મંજૂરી ન હોવાથી લીઝ બંધ કરાઇ હોવા છતાં ખનન ચાલતું હતું ઃ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
આ અંગે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના જિલ્લા પ્રમુખ રોશનઅલી સાંધાણી દ્વારા ગત ૨૭મીએ ફોટો સાથે અંજાર સ્થિત ખાણ ખનીજ કચેરીને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં મોટી નાગલપર ગામે ચાલતી બેફામ ખનીજ ચોરીને તાત્કાલિક રોકવા માંગ કરાઇ હતી. જે લેખિત અરજી અને પુરાવા પરથી પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેન્દ્ર પટેલ અને તેમની ટીમે આકસ્મિક ચેકીંગ હાથ ધરી હતી. જેમાં રાત્રીના સમયે પાડવામાં આવેલા દરોડામાં અંજાર તાલુકા મોટી નાગલપરમાં પર્યાવરણની મંજુરી વગર બંધ કરવામાં આવેલી બ્લેકટ્રેપ ખનીજની ક્વોરી લીઝમાં અનઅધિકૃત રીતે મંજુરી વગર ખાણકામ અને પરિવહન થતું હોવાનું જણાતા એક હીટાચી અને એક ડમ્પર મળી અંદાજે એક કરોડનો મુદામાલ જ્પ્ત કરવામાં આવ્યો હતો. જેથી હવે આ લીઝની તપાસ પૂર્ણ કર્યા બાદ તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.


