211 વર્ષની ખારવા 'સરકાર'! ન્યાય મંદિરનો ન્યાય શિરોમાન્ય, એકાદ મહિનામાં જ બેથી 3 મુદ્દે કેસનો નિકાલ
211 Year Old Kharwa Sarkar : સમાજમાં એક તરફ નાની નાની બાબતોને લઈને કૌટુંબિક વિવાદ મામલે છાશવારે કોર્ટમાં જતા લોકોનું પ્રમાણ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે અને તેના ઉકેલ આવતા દાયકાઓ નીકળી જાય છે ત્યારે બીજી તરફ એક એવો સમાજ છે કે જે 211 વર્ષથી પોતાના સભ્યોના પ્રશ્નોના ઉકેલ પોતે જ લાવે છે. સમાજના ચૂંટાયેલા લોકો માત્ર એકથી દોઢ મહિનાના સમયમાં મુશ્કેલમાં મુશ્કેલ કેસનો પણ નિકાલ કરે છે. તેમાં જે કંઈપણ નિર્ણય થાય છે તે જ્ઞાતિના સભ્ય શિરોમાન્ય રાખી અને સ્વીકારે છે, જેથી તેમનો અમૂલ્ય સમય કોર્ટ કચેરીના ચક્કરમાં બરબાદ થતો નથી.
વાત છે, પોરબંદરના ખારવા પંચાયત મંદિરની, જેની સ્થાપના 10-7-1814માં કરવામાં આવી હતી. સમાજ દ્વારા ચૂંટાયેલા કુલ નવ ડાયરાઓ હોય છે, દરેક ડાયરાના મુખ્ય ત્રણ પ્રતિનિધિઓ હોય છે. આ ડાયરાના કુલ 27 વ્યક્તિઓ દ્વારા મુખ્ય પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે જેને વાણોટ કહેવામાં આવે છે. આ બધા લોકો સાથે મળી અને કોઈપણ કેસનો ન્યાય કરે છે.
ખારવા સમાજના લોકો પોતાની સમસ્યાઓનાં સમાધાન માટે આ ન્યાય મંદિરમાં આવે છે. મુખ્યત્વે દારૂને લગતા કેસો, મકાન જમીનના ભાગ માટેના પ્રશ્નો, સામાન્ય બોલાચાલી કે મારામારીને લગતા પ્રશ્નો, પતિ પત્નીના ઝઘડાઓ વગેરે જેવા પ્રશ્નોને લઈને ખારવા સમાજના લોકો આ ન્યાય મંદિર પર આવતા હોય છે. દરરોજના ત્રણથી ચાર એટલે કે મહિનાના 100 જેટલા કેસો ખારવા સમાજના આ ન્યાય મંદિરમાં ઉકેલવામાં આવે છે. પોરબંદર, વેરાવળ, માંગરોળથી લઇ છેક મુન્દ્રા અને દીવ સુધીના ગામોમાં રહેતા સમસ્ત ખારવા સમાજના લોકો દર વર્ષે શ્રાવણ માસમાં ભેગા થાય છે. દરેક ગામના સમાજના પ્રશ્નોના નિકાલ પણ અહીં વાણોટ દ્વારા કરવામાં આવે છે.
આવી છે અહીંની અનોખી ન્યાય પદ્ધતિ
આ ન્યાય મંદિરની ન્યાય પદ્ધતિ ખૂબ જ રસપ્રદ છે, જેમાં કોઈપણ કેસ આવે ત્યારે બંને પક્ષોના મુખ્ય લોકોને ભૈરવનાથના સોગંદ લેવડાવવામાં આવે છે. ખારવા સમાજના ઇષ્ટદેવ રામદેવજી મહાપ્રભુનું મંદિર અને ભૈરવનાથનું મંદિર આ ન્યાય મંદિરની અંદર જ આવેલું છે. સોગંદ લેવડાવ્યા બાદ બંને પક્ષોની દલીલ પૂરેપૂરી સાંભળવામાં આવે છે, ત્યારબાદ ટ્રસ્ટીઓ અને વાણોટ દ્વારા ચર્ચા કરવામાં આવે છે. આ થઈ પ્રથમ બેઠક.
ત્યારબાદ કેસની તટસ્થતાપૂર્વક તપાસ કરી સાચી માહિતી જાણવા માટે બે સિપાહીઓ રાખવામાં આવેલા હોય છે જેને ‘મુકાદમ કહે છે. તેઓ બંને પક્ષકારોનાં ઘરોની આસપાસ જઈને તટસ્થતાપૂર્વક હકીકત બહાર લાવવાનું કામ કરે છે. મુકાદમ હકીકતો ન્યાયમંદિરના વાણોટ અને નવ ડાયરાને જણાવે છે. ત્યારબાદ કેસની બીજી બેઠક યોજાય છે, જેમાં બંને પક્ષોને ન્યાય મળે તે રીતે સમસ્યાનું સમાધાન લાવવામાં આવે છે. બીજી બેઠકમાં જ મોટાભાગના કેસોનો નિકાલ થઈ જાય છે. ક્યારેક જ કોઈ મુશ્કેલ કેસમાં ત્રીજી બેઠક કરવાની જરૂર પડે છે.
ખારવા સમાજ દ્વારા આ ન્યાય પરંપરાને આગળ વધારવા સાથે સાથે અનેકાનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમ કેઃ
- દર મહિને સો જેટલી વિધવા બહેનોને મહિનાભરનું અનાજ, રાશન કીટ અપાય છે.
- વર્ષોથી ખારવા સમાજના અત્યંત નબળા એવા 170 જેટલા પરિવારોને બે આંકડાના નજીવા ભાડાંથી મકાનો આપવામાં આવ્યા છે.
- વિદ્યાર્થીઓને રાહત દરે પુસ્તકો, આર.ટી.ઇ.ના કાયદાની જાગૃતિ લાવવાની સાથે સાથે નિઃશુલ્ક ફોર્મ ભરવા સુધીની કામગીરી પણ કરવામાં આવે છે.
- સમાજમાં જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવીને અઢળક કરિયાવર પૂરો પાડવામાં આવે છે.
- ખારવા સમાજનું પોતાનું રાહતદરનું દવાખાનું પણ છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની પણ ખાસ વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે.
રાતે પણ ખુલ્લું રહેતું ન્યાય મંદિરઃ અહીં જેલ પણ છે!
આ ન્યાય મંદિરમાં ત્રીજા માળે જેલ પણ બનાવાઈ છે જેમાં કોઈ વધુ સજાપાત્ર વ્યક્તિ હોય તો તેને રાખવામાં આવે છે. મહિલાઓના કેસના નિકાલ માટે તથા મહિલાઓની સજાના અમલ માટે મહિલાઓની પણ નિમણૂક કરવામાં આવી હોય છે. લોકો અડધી રાત્રે પણ પોતાના પ્રશ્નો લઈને અહીં આવી શકે છે, રાત્રે પણ ન્યાય મંદિર ખુલ્લું રહે છે.