Gujarat

VIDEO | શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી

By GS TEAM
4 Mar 20262 mins read
TukuTouch Logo
એક તરફ સરકાર કરોડો રૂપિયાના બજેટ અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના મસમોટા દાવાઓ કરે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામની તસવીરો આ દાવાઓની પોલ ખોલી રહી છે. અહીં આઝાદીના દાયકાઓ પછી પણ એક સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારે રસ્તાના અભાવે જીવના જોખમે 'ઝોળી'નો સહારો લેવો પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી

Chhota Udepur News : એક તરફ સરકાર કરોડો રૂપિયાના બજેટ અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના મસમોટા દાવાઓ કરે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામની તસવીરો આ દાવાઓની પોલ ખોલી રહી છે. અહીં આઝાદીના દાયકાઓ પછી પણ એક સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારે રસ્તાના અભાવે જીવના જોખમે 'ઝોળી'નો સહારો લેવો પડ્યો હતો.


108 એમ્બ્યુલન્સ પણ લાચાર, પરિવારે ઉઠાવ્યું જોખમ

કુકરદા ગામના ડુકતાં ફળિયાનો કાચો રસ્તો એટલો બિસ્માર અને પથરાળ છે કે આધુનિક સુવિધા ગણાતી 108 એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકી નહોતી. સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી, પરંતુ બિસ્માર રસ્તાને કારણે એમ્બ્યુલન્સ ગામના પાદર સુધી જ પહોંચી શકી. પરિણામે, પરિવારે લાકડી અને કપડાની ઝોળી બનાવી ગર્ભવતી મહિલાને તેમાં સુવડાવી અંદાજે 1 કિલોમીટર સુધી ઉબડ-ખાબડ રસ્તા પર ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી હતી.

તંત્ર સામે સળગતા સવાલ

આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે. શું સરકારના કરોડો રૂપિયાના રોડ-રસ્તાના બજેટ માત્ર કાગળ પર જ વપરાય છે? ચૂંટણી સમયે વોટ માંગવા આવતા નેતાઓ આ અંતરિયાળ ગામડાઓની પીડા કેમ ભૂલી જાય છે? જો ઝોળીમાં લઈ જતી વખતે કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ?

આ પણ વાંચો: ધૂળેટીના પર્વે માતમ! અમદાવાદના રિવરફ્રન્ટમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જતા મોત, ગુજરાતમાં કુલ 17ના જીવ ગયા

તણખલા PHC ખાતે સારવાર હેઠળ

હાલમાં સગર્ભા મહિલાને 108 મારફતે તણખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે. જોકે, આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે પાકો રસ્તો બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ દર્દી કે સગર્ભા મહિલાને આ રીતે મોતની મુસાફરી ન કરવી પડે.