છોટાઉદેપુરમાં હોળીની ઉજવણી શરૂ, સૌથી મોટા ભંગોરીયા હાટમાં આદિવાસીઓ ઉમટ્યાં
Bhangoria Haat in Chhota Udaipur: છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓની વસ્તી 90 ટકા જેવી છે. તેઓ માટે દિવાળી કરતા હોળી પર્વનું મહત્ત્વ ખૂબ હોય છે. દરેક કામો છોડી હોળી પર્વના સુપ્રસિદ્ધ ભંગોરીયા હાટ અને મેળા પર્વનો આનંદ ભરપૂર મનાવે છે. આ પર્વ આદિવાસીઓ વર્ષોથી ઉજવે છે. હોળી પૂર્વે સમગ્ર જિલ્લામાં સાપ્તાહિક ભંગોરીયાના હાટ શરૂ થઈ ગયા છે.
આદિવાસી વસ્તી ઘરાવતા વિસ્તારોમાં હોળી અગાઉના સાત દિવસ હાટ ભંગોરીયાના મેળા ભરાયો છે. તેમાં આદિવાસીઓએ નાચગાન અને ખરીદી કરી ઉજવણી કરી હતી. જિલ્લાના સૌથી મોટા ભંગોરીયા હાટમાં આદીવાસીઓ ઉમટ્યા હતા. જેમાં આજુબાજુના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ રામઢોલ, થાળી, ઘૂઘરા, મોટલા, ઢોલ દદુડી અને વાંસળીના તાલે આદિવાસી પહેરવેશ અને આભૂષણોથી સજ્જ થઈ મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા.
ઢોલ પાવા કરતાલો લઈને પહોંચી આદિવાસી મંડળીઓ
ભંગોરીયાના હાટમાં ગામે ગામથી ઢોલ પાવા કરતાલો લઈને અનેક ગામની ટુકડીઓ જુદા જુદા પહેરવેશમાં પુરુષો અને મહિલાઓ હાટમાં આવી હોળી પર્વના આનંદનો લાહવો લેવાનું નાચગાન કરી શરૂ કર્યું હતું. ભંગોરીયાના મેળામાં રંગપુર, મોટા રામપુરા, સાજનપુર, ચીસાડીયા, બોડગામ, ટૂંડવા અને મોટીસઢળી ગામની આદિવાસી મંડળીઓ ઢોલ પાવા કરતાલો સાથે આવી હતી.
ખરીદી પણ મોટાપાયે થઈ હતી
ભંગોરીયાનો હાટ હતો એમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ અને હોળી પર્વ મનાવવા ખરીદી અર્થે ખૂબ મોટી સંખ્યામાં 20 ગામની મેદની ઉમટી પડી હતી. જેમાં કપડા, ચપ્પલ, પાપડ, સેવો, અડદ તથા મસાલાની ખરીદી મોટાપાયે થઈ હતી.
સમગ્ર જિલ્લામાં આદિવાસીઓ હોળીના તહેવારમાં મશગૂલ
સાપ્તાહિક હાટમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અલગ અલગ ડિઝાઇનમાં આદિવાસી પહેરવેશ પહેરીને આવતી ટુકડીઓ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. વર્ષ દરમિયાન ભરાતા સાપ્તાહિક હાટ હોળી પહેલાના ભંગોરીયા હાટ મેળામાં ફેરવાઈ જતો હોય છે. સમગ્ર જિલ્લામાં હોળી અગાઉ 7 દિવસ અને હોળી પછીના 5 દિવસ સુધી મોટાભાગના કામધંધા સદંતર બંધ જેવા જોવા મળે છે. આદિવાસીઓ કોઈપણ કામે આવતા નથી. માત્ર હોળીના તહેવારમાં મશગૂલ રહે છે. ત્યારે આદિવાસી સમાજ આજે પણ પોતાની રૂઢિઓ અને સંસ્કાર ભુલ્યાં નથી તે હાલની ઉજવણી સ્પષ્ટ થઈ રહ્યું છે.
ભંગોરિયાના મેળામાં પીહોને સંગ
આ પણ વાંચો: ભોળાનાથનું એવું મંદિર જ્યાં મહાદેવ સાથે હોળી રમવા આવે છે શ્રીકૃષ્ણ
પહેલાના સમયમાં હોળીનો પર્વ ખૂંખાર રહેતો હતો
આજથી 10 વર્ષ અગાઉનો છોટાઉદેપુરનો હોળીનો પર્વ ભારે ખૂંખાર રહેતો હતો. એમાં ખૂન થતાં અનેક મારામારીના કિસ્સાઓ બનતા હતા, પરંતુ સમયમાં ઘણું પરિવર્તન આવ્યું છે. હવે જૂજ ઘટના બને છે. અનેક ધાર્મિક સંપ્રદાયો દ્વારા આદિવાસી વિસ્તારોમાં રહેણીકરણી વિચારોમાં ઘણું મોટું પરિવર્તન આવતા ગુનાહિત પ્રવૃતિઓ ઘટી ગઈ છે.
આ રીતે ભંગોરીયો મેળો નામ લોક બોલીમાં પ્રચલિત બન્યું
જો કે ભગોરીયા મેળા અંગેના પુસ્તકોમાં મળતા વર્ણન મુજબ, ભંગોરીયાએ રાજા ભોજના જમાનામાં ભરાતા હાટોને ભગોરીયા કહેવામાં આવતા હતા. ભોજ રાજાનું અનુકરણ કરીને ભીલ રાજા કાસૂમાર અને બાલૂને પોતાના ભાગોર નગરમાં વિશાળ મેળાઓ અને હાટનું આયોજન કર્યુ, જેમાં જે હાટ અને મેળાઓને ભાગોરીયા તરીકે પ્રસિદ્ધ બન્યા છે.