અમદાવાદના પ્રહ્લાદનગરમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ, 2 વિરૂદ્ધ ફરિયાદ

Prostitution racket busted in Ahmedabad: રાજ્યમાં નશાખોરીની સાથે સાથે દેહવેપારનો ધંધો પણ ફૂલ્યોફાલ્યો હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જે ગુજરાતમાં વધતા ગુનાખોરીના ગ્રાફની ચાડી ખાય છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી સ્પાની આડમાં ચાલતા વધુ એક હાઈ-પ્રોફાઈલ કૂટણખાણાનો પર્દાફાશ થયો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમને મળેલી બાતમીના આધારે શહેરના પોશ ગણાતા પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા 'નક્ષ સ્પા' પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની આ રેડ દરમિયાન સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કનો ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ સ્પા ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું. આ સમગ્ર મામલો આનંદનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતો હોવાથી ક્રાઈમ બ્રાંચે આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
આ દરોડા બાદ પોલીસે નક્ષ સ્પાના માલિક રોહિત દિલીપભાઈ લાલવાણી અને સ્પાના મેનેજર તરીકે કામ કરતી પાયલ જગદીશ રાય અગ્રવાલ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

