સુરતમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ: સરથાણાની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાઈ

Surat Crime News: સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી 'હોમ ટાઉન હોટલ'માં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડી ત્રણ વિદેશી યુવતીઓને ઝડપી પાડી હતી. આ યુવતીઓમાં બે થાઇલેન્ડની અને એક યુગાન્ડાની નાગરિક છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણેય યુવતીઓ ટૂરિસ્ટ અને બિઝનેસ વિઝા પર ભારત આવી હતી. યુગાન્ડાની યુવતી માત્ર ત્રણ દિવસ પહેલાં જ દિલ્હીથી સુરત પહોંચી હતી, જ્યારે થાઇલેન્ડની યુવતીઓની ઉંમર 30 થી 35 વર્ષની વચ્ચે છે. પોલીસે ત્રણેય યુવતીઓને મુક્ત કરાવીને હાલ નારીગૃહમાં મોકલી આપી છે.
તપાસમાં 'ગુગલ ટ્રાન્સલેટ' બન્યું મદદગાર
આ કેસની તપાસ દરમિયાન પોલીસને ભાષાની મોટી અડચણનો સામનો કરવો પડ્યો હતો. વિદેશી યુવતીઓને સ્થાનિક ભાષા ન આવડતી હોવાથી તેમના નિવેદનો લેવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. જોકે, પોલીસે ટેક્નોલોજીનો સહારો લીધો હતો.
પોલીસે 'ગુગલ ટ્રાન્સલેટ' એપની મદદથી ખાસ કરીને થાઇ ભાષામાં યુવતીઓના નિવેદનો નોંધ્યા હતા. આ એપ દ્વારા જ યુવતીઓએ હોટેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને રેટ વિશે કબૂલાત કરી હતી.
વોટ્સએપથી ચાલતો હતો ગોરખધંધો
તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર રેકેટ વોટ્સએપના માધ્યમથી ચલાવવામાં આવતું હતું. હોટેલનો મેનેજર ખૂબ જ સાવધાનીપૂર્વક ફક્ત પોતાના ઓળખીતા અને વિશ્વાસુ ગ્રાહકોને જ યુવતીઓની તસવીરો મોકલીને બોલાવતો હતો.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ગ્રાહકો પાસેથી રૂ. 6000 જેટલી ઊંચી રકમ વસૂલવામાં આવતી હતી, જેમાંથી યુવતીઓને માત્ર રૂ. 2500 થી 3000 જ ચૂકવવામાં આવતા હતા. પોલીસે આ મામલે હોટેલ મેનેજર અને સંડોવાયેલા અન્ય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

