VIDEO: 700 વર્ષ પહેલા સ્વયંભૂ નીકળેલી ગણેશજીની ચમત્કારી મૂર્તિ! પંચમહાલના પોપટપુરાના શ્રીજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે
Ganesh Chaturthi 2025 : પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલું પોપટપુરા ગણેશ મંદિર લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગોધરા-દાહોદ-વડોદરા હાઇવે પર આવેલું આ મંદિર તેના અનોખા ઇતિહાસ અને સ્વયંભૂ મૂર્તિ માટે પ્રખ્યાત છે. કહેવાય છે કે આ ગણેશજીની મૂર્તિ લગભગ 700 વર્ષ જૂની છે, જે જમીનમાંથી પ્રગટ થઈ હતી.
સ્થાનિક માન્યતા મુજબ, ચાંપાનેરના પતન સમયે આ મૂર્તિ જમીનમાં સમાઈ ગઈ હતી. બાદમાં વિદ્વાનો અને મહંતોએ હોમ-હવન અને વેદોપચાર દ્વારા આ ભૂમિને પવિત્ર કરી, ત્યારે આ ચમત્કારી ગણેશજીની મૂર્તિ ફરીથી બહાર આવી હતી. જે કુંડમાં હોમ-હવન કરવામાં આવ્યો હતો, તે કુંડ આજે પણ અહીં મોજૂદ છે.
ગણેશ ભક્તો માટે આસ્થાનું ધામ
આ મંદિરમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિ રિદ્ધિ-સિદ્ધિ સાથે ઊભેલી મુદ્રામાં છે અને તેમની સૂંઢ જમણી બાજુ છે, જેને અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે. અહીં દર મંગળવારે અને ચોથના દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. ખાસ કરીને અંગારિકા ચોથના દિવસે અહીં મેળો ભરાય છે.
મંદિરમાં સવારે મંગળા આરતી, ત્યારબાદ શ્રુંગાર આરતી અને સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે. હાલમાં ગણેશ ચતુર્થી નિમિત્તે અહીં ભક્તોનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે. ગોધરા સહિત ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભક્તો પણ મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવે છે. મંદિરની સમિતિ દ્વારા દૂરથી આવતા ભક્તો માટે ભોજન અને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
પૂજારીઓની 17મી પેઢી સેવા કરે છે
આ મંદિરનું મહાત્મય એટલું જૂનું છે કે અહીંના પૂજારીઓના પરિવારો છેલ્લા 17 પેઢીથી એટલે કે 700 વર્ષથી ગણેશજીની સેવા કરી રહ્યા છે. શિવ-પાર્વતીના દર્શન કરવાથી પણ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, તેવી શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિર ગોધરા-વડોદરા હાઇવેથી અને વેજલપુર ગામથી આશરે 10 કિલોમીટર દૂર આવેલું છે.