Get The App

VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા લાગ્યું

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા લાગ્યું 1 - image


Ganesh Chaturthi 2025 : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું ગણપતિપુરા એક એવું સુપ્રસિદ્ધ તીર્થધામ છે, જેનો મહિમા અને ઇતિહાસ અનેરો છે. ધોળકાથી લગભગ 25 કિલોમીટર અને અમદાવાદથી 65-70 કિલોમીટરના અંતરે આવેલા આ મંદિરને લોકો 'ગણપતિપુરા', 'ગણેશપુરા' કે 'કોઠ ગણપતિપુરા' જેવા નામથી ઓળખે છે. આ મંદિરનો સૌથી મોટો મહિમા અહીં બિરાજમાન સ્વયંભૂ પ્રગટેલા જમણી સૂંઢવાળા ગણેશજીની મૂર્તિનો છે, જે સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે. 6 ફૂટ ઊંચી આ મૂર્તિમાં ગણેશજી એકદંત છે. 

અલૌકિક ઇતિહાસ અને ચમત્કારિક પ્રાગટ્ય

લોકવાયકા મુજબ, આ મંદિરનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે. એવું કહેવાય છે કે આ સ્થળે વન હતું અને જમીનના ખોદકામ સમયે એક કેરડાના જાળામાંથી ગણપતિ દાદાની મૂર્તિ પ્રગટ થઈ હતી. આ મૂર્તિને લઈ જવા માટે કોઠ, રોજકા અને વણકુટા ગામના આગેવાનો વચ્ચે વિવાદ થયો હતો. તે સમયે, એક અનોખો ચમત્કાર થયો: ગણપતિ દાદાની મૂર્તિ આપોઆપ એક ગાડામાં બિરાજમાન થઈ ગઈ અને બળદ વગર જ ગાડું ચાલવા લાગ્યું. આ ગાડું ગણપતિપુરાના ટેકરા પર જઈને ઊભું રહ્યું અને આપમેળે મૂર્તિ નીચે ઉતરી ગઈ. આ ઘટના બાદ તે જ સ્થળે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી આ ગામનું નામ 'ગણપતિપુરા' પડ્યું. અહીં બિરાજમાન ગણેશજીની મૂર્તિ એકદંતી અને સ્વયંભૂ પ્રગટેલી હોવાથી શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બની છે.

શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર

ગણપતિપુરામાં દર મહિનાની વદ ચોથના દિવસે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી પણ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. શ્રદ્ધાળુઓની એવી માન્યતા છે કે અહીં સંતાન પ્રાપ્તિ, લગ્ન કે નોકરી સહિતની માનતા રાખવાથી તે કાર્યો સિદ્ધ થાય છે. ઘણા ભક્તો ઘઉંનો સીધો અને ઊંધો સાથિયો કરીને પોતાની માનતા પૂરી કરે છે. કહેવાય છે કે મંદિર આવી માનતા રાખતી વખતે ઘઉંનો ઊંધો સાથિયો કરવાનો હોય છે અને જ્યારે માનતા પૂર્ણ થાય ત્યારે ભક્તો ઘઉંનો સીધો સાથિયો કરે છે.  અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવતી હોય છે.

VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા લાગ્યું 2 - image

આ પણ વાંચો: VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા 'અન્નદાતા ગણેશ', વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે

પ્રસાદી અને વિશેષતાઓ

આ મંદિરની આસપાસ મળતી કાચા કેળા અને બટેકાની વેફર્સ ખૂબ જ પ્રખ્યાત છે. દર્શન બાદ શ્રદ્ધાળુઓ આ વેફર્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ અવશ્ય ખરીદે છે. આ ઉપરાંત, ચુરમાના લાડુ અને ગણેશજીને પ્રિય બૂંદીના લાડુ પણ અહીં ખાસ બનાવવામાં આવે છે, જે પ્રસાદી તરીકે ઘરે લઈ જવાય છે. ગણેશ ચતુર્થી નિમિત્તે અહીં ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને વિસર્જનના દિવસે ગણેશજીની પાલખી યાત્રા કાઢીને આખા ગામમાં ફેરવવામાં આવ છે. ગણેશપુરાના આ દિવ્ય મંદિરે એકવાર અવશ્ય દર્શન કરવા જેવું છે, જ્યાં આસ્થા, ઇતિહાસ અને ચમત્કારનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ગણેશપુરાના વિઘ્નહર્તાદેવ સૌના દુખડા હરી તેમની મનોકામના પૂર્ણ કરે છે.

VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા લાગ્યું 3 - image

Tags :