જામનગરની રંગમતી-નાગમતી નદી અને લાખોટા તળાવનું પાણી પ્રદૂષિત, ફરી સેમ્પલો લઈને કાર્યવાહીનો દેખાડો
Jamnagar News: જામનગર શહેરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં દરેડની કેનાલ મારફતે રંગમતી નાગમતી નદીનું પાણી આવે છે. આ કેનાલમાં કેટલાક ઉદ્યોગગૃહો તેમના કેમિકલ યુક્ત પ્રવાહીના જથ્થાનો નિકાલ કરે છે. આ કારણસર પાણી લાખોટા તળાવમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. આવી અનેક ફરિયાદો થયા પછી 27 જૂનના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગરની કચેરી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતા. તેનો રિપોર્ટ પણ આવી ગયો છે.
રંગમતી નાગમતી નદી અને લાખોટા તળાવમાં જૈવિક કચરો
આ રિપોર્ટમાં માલુમ પડ્યું છે કે, રંગમતી નાગમતી નદી અને લાખોટા તણાવના પાણીમાં જૈવિક કચરો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ અંગે જામનગર મહા નગરપાલિકાને પણ જાણ કરી છે. જો કે, વર્ષોથી નદીઓ અને તળાવો પ્રદૂષિત થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ ઠોસ કાર્યવાહી કરાતી નથી.
નદી-તળાવના પાણીના ફરી સેમ્પલ લઈને કાર્યવાહીનો દેખાડો
બીજી તરફ, હાલ ચોમાસું ચાલી રહ્યું છે હોવાથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે 21 જુલાઈએ રંગમતી નાગમતી નદી અને લાખોટા તળાવમાંથી ફરી એકવાર નવા પાણીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. આ ઉપરાંત દરેડની કેનાલને જોડતી ઉદ્યોગ નગર વિસ્તારની કેનાલ કે જેના વિસ્તારમાં આવતા વિવિધ પાંચ કારખાના પર જઈને પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સેમ્પલ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે સામાન્ય લોકોમાં ચર્ચા છે કે, દેશની સૌથી પવિત્ર ગણાતી ગંગા નદી પણ સ્વચ્છ થઈ શકતી નથી, તો આ રંગમતી નાગમતી નદી અને લાખોટા તળાવને સ્વચ્છ કરતા સ્થાનિક તંત્ર કેટલું ગંભીર હશે?