બનાસકાંઠાના ઢુવા ગામમાં દારૂ વેચતા કે પીતા ઝડપાશે તો મુંડન કરીને રૂ.11 હજારનો દંડ ફટકારાશે
Banaskantha News: બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ગામમાં દારૂના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે સમગ્ર ગામ એકજૂટ થયું છે. અંબાજી મંદિર ખાતે યોજાયેલી ગ્રામસભામાં અઢારે આલમના લોકોએ સાથે મળીને ગામમાં સંપૂર્ણ દારૂબંધીનો અનોખો નિર્ણય લીધો છે. યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા, ગામમાં સ્વચ્છતા જાળવવા, શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુંથી ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. જેમાં દારૂનું વેચાણ કરનાર ઝડપાશે તો તેનું મુંડન કરીને 11 હજાર રૂપિયાનો દંડ વસૂલાશે.
ગામને સંપૂર્ણપણે દારૂ મુક્ત કરવાનો સંકલ્પ લેવાયો
મળતી માહિતી અનુસાર, અંબાજી મંદિર ખાતે યોજાયેલી ગ્રામસભામાં અઢારે આલમના લોકોએ સાથે મળીને ઢુવા ગામમાં દારૂબંધીનો નિર્ણય લીધો છે. આ સભામાં ઢુવા ગામના ડેપ્યુટી સરપંચ, માજીસરપંચ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી, પંચાયત સદસ્યો, વડીલો, યુવાનો અને રાજકીય-સામાજિક આગેવાનો હાજર રહ્યાં હતા. જેમાં ગામને સંપૂર્ણપણે દારૂ મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો.
આ નિર્ણય અનુસાર, ઢુવા ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરી શકશે નહીં. જો બહારગામનો કોઈ વ્યક્તિ દારૂ વેચતો પકડાશે તો તેને ઢુવા ગામમાં મુંડન કરીને વરઘોડો કાઢવામાં આવશે અને 11, 000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગામમાં દારૂ વેચનારાઓને આ નિયમોનું પાલન નહીં કરે તો પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે.
દારૂબંધીના આ નિર્ણય પાછળના અનેક કારણો
ગ્રામજનોએ દારૂબંધીના આ નિર્ણય પાછળના અનેક કારણો રજૂ કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, દારૂના કારણે શિક્ષણ બગડે છે, રાત્રે ગામમાં બહેન-દીકરીઓ સુરક્ષિત રીતે ફરી શકતી નથી અને સ્વચ્છતા જાળવવામાં પણ મુશ્કેલી પડે છે. ગ્રામજનોએ એવો પણ ઘટસ્ફોટ કર્યા છે કે, કેટલાક લોકો દૂધમાંથી એક લીટર જેટલું દૂધ કાઢીને ખાનગી ડેરીમાં વેચી દે છે અને તે પૈસાનો ઉપયોગ દારૂ પીવા માટે કરે છે, જેની જાણ ઘરના સભ્યોને પણ હોતી નથી. આ ઉપરાંત, મજૂરીના પૈસા પણ અડધા દારૂ પાછળ અને અડધા હપ્તા ભરવામાં ખર્ચાઈ જાય છે, જેના કારણે પરિવારો આર્થિક સંકળામણમાં મુકાય છે.
પોલીસ વડા અને ગૃહમંત્રીને રજૂઆત કરાશે
આ જાહેર સભામાં પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા હતા. જેમાં જૂના પોલીસ અધિકારીઓને બદલી સારા કર્તવ્યનિષ્ઠા અધિકારીઓની બીટ જમાદાર તરીકે નિમણૂક કરવા જણાવ્યું હતું. જો પોલીસ અસરકારક ભૂમિકામાં દારૂ જેવા દૂષણોને કડકાઈથી ડામવામાં નિષ્ફળ નીવળશે તો એસપી તેમજ ગૃહમંત્રી સુધી રજૂઆત કરાશે.