Police Recruitment Irregularity in Kheda: ખેડા હેડ ક્વાર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી દરમિયાન ગેરરીતિ સામે આવી છે. દોડની પરીક્ષામાં નાપાસ થવાના ડરે એક ઉમેદવારે પોતાના પગમાં લાગેલી આરએફઆઈડી ચીપ કટરથી કાપીને પોતાની સાથે દોડતા મિત્રને આપી દીધી હતી. જોકે અત્યાધુનિક ટેકનોલોજી અને પોલીસની સતર્કતાને કારણે બંને ઉમેદવારોનો ભોપાળું છતું થઈ ગયું હતું અને બંને સામે ખેડા ટાઉન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
બંને ઉમેદવાર કેવી રીતે ઝડપાયા?
ખેડા જિલ્લાના હેડ ક્વાર્ટર ખેડા કેમ્પ ખાતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી ચાલી રહી છે. 28મી જાન્યુઆરીના રોજ સવારે બેચ નંબર 2ની દોડ શરૂ કરવામાં આવી હતી. જેમાં 200 ઉમેદવારો દોડવા માટે ટ્રેક પર ઉતર્યા હતા. આ દરમિયાન ભાવનગરના બુઢણા ગામનો હિતેશકુમાર પરમાર અને તેનો મિત્ર ઘનશ્યામ પરમાર સાથે દોડવા આવ્યા હતા. હિતેશકુમારને પહેલેથી જ ખાતરી હતી કે તેનાથી દોડ પૂરી નહીં થાય, તેથી તેણે અને ઘનશ્યામે અગાઉથી જ ગેરરીતિ કરવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: જામનગરમાં પોલીસ ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ, બે ઉમેદવારો દોડમાં છેતરપિંડી કરતા ઝડપાયા
દોડ શરૂ થતાની સાથે જ પૂર્વ આયોજન મુજબ હિતેશકુમારે પોતાની પાસે સંતાડી રાખેલી કટરની બ્લેડ વડે પોતાના પગમાં લગાવેલી બે સેન્સર ચીપ કાપી નાખી હતી. આ બંને ચીપ તેણે સાથે દોડતા મિત્ર ઘનશ્યામને આપી દીધી હતી. ઘનશ્યામે આ ચીપ પોતા પેન્ટના ડાબી બાજુના ખિસ્સામાં મૂકી દીધી હતી અને દોડવાનું ચાલુ રાખ્યું હતું. ઘનશ્યામના પગમાં તેની પોતાની બે ચીપ હતી અને ખિસ્સામાં મિત્રની બે ચીપ હોવાથી તે એકલો દોડતો હતો પણ કમ્પ્યુટર સિસ્ટમમાં બંને મિત્રો દોડી રહ્યા હોવાનું રજીસ્ટર થઈ રહ્યું હતું. જોકે ગ્રાઉન્ડ પર હાજર સ્ટાફ અને ટેકનિકલ ટીમને સર્વર પર શંકાસ્પદ ગતિવિધિ જણાતા તપાસ હાથ ધરી હતી. જેમાં ચેસ્ટ નંબર ૨૫૮ ટ્રેક પર ચીપ વગર દોડતો હોવાનું જણાયું હતું. દોડ પૂરી થયા બાદ બંનેની તપાસ કરતા ઘનશ્યામ પાસેથી કુલ 4 ચીપ અને કટરનો ટુકડો મળી આવ્યા હતા. આ ઘટના અંગે ફરજ પરના પોલીસ ઇન્સ્પેક્ટરે બંને સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે.
બ્લેડનો ટુકડો ગ્રાઉન્ડમાં ઘુસાડ્યો કઈ રીતે?
સૌથી મોટો સવાલ એ છે કે, પોલીસની આટલી કડક સુરક્ષા અને ચેકિંગ હોવા છતાં ઉમેદવાર ગ્રાઉન્ડની અંદર કટરની બ્લેડનો ટુકડો લઈને કેવી રીતે પ્રવેશ્યો. ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે, તેમ છતાં બ્લેડ જેવી ઘાતક વસ્તુ ટ્રેક સુધી પહોંચી જવી એ તપાસ પ્રક્રિયા સામે પણ સવાલો ઊભા કરે છે. પોલીસે આ બ્લેડનો ટુકડો અને કપાયેલી ચીપ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવાન દોડવા માટે સક્ષમ નહોતો એટલે પ્લાન બનાવ્યો
પકડાયેલા આરોપી હિતેશ પરમારે કબૂલાત કરી હતી કે, તેનાથી નિયત સમયમાં દોડ પૂરી થાય તેમ ન હતી. આથી તેણે પોતાના ગામના જ મિત્ર ઘનશ્યામ સાથે મળીને આ કીમિયો અજમાવ્યો હતો. બંનેએ ઘરેથી જ નક્કી કર્યું હતું કે, દોડતી વખતે ચીપ બદલી નાખવી. પરંતુ તેઓ એ ભૂલી ગયા હતા કે ગ્રાઉન્ડ પર સીસીટીવી અને લાઈવ મોનિટરિંગ જેવી વ્યવસ્થાઓ પણ હોય છે.
છેતરપિંડી, કાવતરું રચવું સહિતની કલમો હેઠળ ગુનો
પોલીસ ભરતીમાં દોડનો સમય ચોકસાઈથી માપવા ઉમેદવારના પગમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન એટલે કે આરએફઆઈડી ચીપ બાંધવામાં આવે છે. ઉમેદવાર જ્યારે ગ્રાઉન્ડ પર ચક્કર લગાવે ત્યારે સેન્સર આપોઆપ તેનો સમય નોંધી લે છે. અહીં આરોપીઓએ આ ચીપ પગમાંથી કાપીને ખિસ્સામાં મૂકી દીધી હતી, જેથી ઉમેદવાર દોડયો ન હોવા છતાં મશીનમાં તે દોડી રહ્યો છે તેવું દેખાય. જો કે, મામલો ખુલ્લો પડી જતાં આ ગુનામાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(3) એટલે કે છેતરપિંડી અને કલમ 61(2) એટલે કે કાવતરું રચવું અને ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત અધિનિયમ 2023ની કલમ 12(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાં કડક સજાની જોગવાઈ છે.


