Police Recruitment Exam Fraud In Jamnagar: રાજ્યભરના જુદા જુદા કેન્દ્રો પર હાલ પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રેક્ટીકલ પરીક્ષાઓ ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલતી પરીક્ષામાં બે ઉમેદવારોની ગેરરીતિ સામે આવી છે. એક ઉમેદવારે દોડની બંને ચીપ અન્ય ઉમેદવારને આપી પરીક્ષા પાસ કરવાનો છેતરપિંડી ભર્યો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે, જેને લઈને પરીક્ષા ડ્યુટી સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ બંને ઉમેદવારો સામે સીટી બી. ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, જામનગર પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત હાલ શારીરિક પરીક્ષા ચાલી રહી છે. અહી દરરોજ 1600 ઉમેદવારોને પરીક્ષા માટે બોલાવવામાં આવી રહ્યાં છે. ત્યારે 21મી જાન્યુઆરીના રોજ 908 ઉમેદવારો પરીક્ષા આપવા માટે પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ઉમેદવારો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લઇ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. એક ગ્રુપમાં 200 ઉમેદવારોને એક સાથે દોડ કરાવવામાં આવે છે. દરેક ઉમેદવારે જ્યારે પોતાનો વારો જે ગ્રુપમાં આવે, ત્યારે દોડ માટે નિયત કરવામાં આવેલી પાંચ હજાર મીટરનું અંતર 25 મિનીટમાં પૂર્ણ કરવાનું રહે છે. જેમાં ગ્રુપ ત્રણમાં પોતાનો વારો આવતાં મૂળ ગોંડલના બેટીવડ ગામના અને હાલ ગોંડલ એસઆરપી ગ્રૂપમાં નોકરી કરતા અર્જુનસિંહ જાડેજા અને તેના જ ગામના શિવભદ્રસિંહ જાડેજાએ દોડ માટે તૈયારી કરી હતી.
આ 200 ગ્રુપની દોડ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 200 પૈકી એક ઉમેદવાર એટલેકે અર્જુનસિંહને દોડ માટે આપવામાં આવેલ રનિંગ ચીપ રીડ નહીં થતી હોવાની જાહેર કરવામાં આવી હતી. જેને લઈને પરીક્ષાના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ સેનાપતિ કોમલ વ્યાસએ લગત એજન્સીને સાથે રાખીને ગાંધીનગર ખાતેના સેન્ટ્રલ કંટ્રોલ રૂમના ડેટા ચકાસવા આદેશ કર્યો હતો. જેમાં અર્જુનસિંહની ચીપ રીડ નહીં થતી હોવાની હકીકત સામે આવી હતી.
મિત્રના પગે પોતાની 'ચીપ' બાંધી દીધી!
આ મામલે અર્જુનસિંહની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. એસઆરપીમાં નોકરી કરતા અર્જુનસિંહથી દોડાતું નહીં હોવાથી તેની જ બેન્ચમાં રહેલાં તેના સાથી મિત્ર ઉમેદવાર શિવભદ્રસિંહને પોતાના પગની બંને ચીપ આપી દીધી હતી. દોડ શરૂ થતા પૂર્વે જ મિત્રને ચીપ આપી દઈ અને છે ક બારમાં રાઉન્ડમાં પોતાના મિત્ર પાસેથી ચીપ પરત લઈ અર્જુનસિંહે દોડ પાસ કરવાનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યું હતું.
દોડ પૂર્વે પરીક્ષા સંભાળતી ખાનગી એજન્સી દરેક ઉમેદવારોને બંને પગે ઇલેક્ટ્રિક ચીપ (દોડના નિશ્ચિત રાઉન્ડ અને સમય જોવા માટેની ચીપ) બાંધે છે. આરોપી અર્જુનસિંહે દોડ શરૂ થાય એ પૂર્વે પોતાના પગે બાંધેલી ચીપની પ્લાસ્ટિકનું લોક તોડી નાખી પોતાના મિત્રને આપી દીધું હતું. મિત્રએ દોડ પૂર્ણ કર્યાં બાદ ચીપ પરત ઉમેદવાર એસઆરપી જવાનને આપી દોડ પાસ કરાવી દીધી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને દોડ વિભાગ સંભાળતા લીવ રિજર્વ પીઆઈ જયપાલસિંહ સોઢાએ બંને ઉમેદવારો સામે બીએનએસ અને ધ ગુજરાત પબ્લિક એક્જામીનેશન એકટ મુજબ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પી.આઈ. પી.પી. ઝા સહિતના સ્ટાફે બંને આરોપીઓની ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીને હવે એસઆરપીની નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે
મૂળ ગોંડલ પંથકના આરોપી અર્જુનસિંહ જાડેજા હાલ ગોંડલ એસઆરપી જૂથ આઠમાં હથિયારધારી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ અર્જુનસિંહે પ્રેક્ટીકલ પરીક્ષામાં છેતરપીંડી કરી પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હવે જયારે તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ ચુકી છે ત્યારે પોલીસસુત્રોનું માનવામાં આવે તો અર્જુનસિંહએ પોલીસની નોકરી મેળવવા માટે કરેલા ચીટીંગને લઈને પોતાની એસઆરપીની નોકરી પણ ગુમાવવી પડશે.


