Theft in Ahmedabad: અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર તસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોડાઉન બનાવવા માટે મેદાનમાં ઉતારવામાં આવેલું લાખો રૂપિયાનું લોખંડનું આખું સ્ટ્રક્ચર તસ્કરો રાતોરાત ઉઠાવી ગયા છે. આશરે 5300 કિલો વજન ધરાવતા પિલ્લર અને રાફ્ટરોની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
મળીત માહિતી અનુસાર, શીલજમાં રહેતા અને 'વરદાયીની પાવર પ્રા.લી.' નામની કંપની ધરાવતા વેપારી પરેશભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે શીલજ-રાંચરડા રોડ પર મહેન્દ્ર ફાર્મની સામે એક ખુલ્લી જગ્યા ભાડે રાખી હતી. આ સ્થળે તેઓ 90 બાય 150 ફૂટનો વિશાળ ડોમ (ગોડાઉન) બનાવવાના હતા. 24 જાન્યુઆરીએ ગોધાવી ખાતેથી ખરીદેલું જૂનું ડોમ સ્ટ્રક્ચર બે આઈસર ટ્રકો ભરીને આ ખુલ્લી જગ્યામાં ઉતારવામાં આવ્યું હતું. જે બાદ 25 જાન્યુઆરીની સાંજ સુધી સામાન ત્યાં જ હતો, જ્યારે 26મી જાન્યુઆરીએ કંપનીના ઈલેક્ટ્રીશિયન સંજય દંતાણીએ જોયું તો મેદાનમાંથી લોખંડનો માલસામાન ગાયબ હતો.
આ પણ વાંચો: જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની અધૂરી કામગીરી છતાં સીએમના હસ્તે લોકાપર્ણ કરાયું?
ચોરાયેલા સામાનની વિગત
જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તસ્કરો 20 નંગ પિલ્લર, 8 ફૂટમા 80 નંગ રાફ્ટર અને 5 ફૂટના 20 નંગ રાફ્ટરની ચોરી કરી ગયા છે. ચોરાયેલા આ લોખંડના સામાનનું કુલ વજન 5300 કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત 4,24,000 રૂપિયા છે. પરેશભાઈએ આ સામાન ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટ્રકોની અવરજવરના આધારે તપાસ હાથ ધરી છે.


