નવાપુરા વિસ્તારની સોસાયટીમાં પોલીસનો દરોડો, 11 જુગારીઓ ઝડપાયા

શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ રાજરત્ન સોસાયટીમાં નવાપુરા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા 11 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 72 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, નવાપુરા વિસ્તારમાં પોલો ગ્રાઉન્ડ સામે આવેલા વિસ્તારમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે નવાપુરા પોલીસ ટીમે ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગ્યે રાજરત્ન સોસાયટીમાં આવેલ એક મકાનના બીજા માળે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતા કુલ 11 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સરફરાજ અધિકારી (રહે – સત્યમ સોસાયટી, સુભાનપુરા), લક્ષ્મણ જોષી, ભીમપ્રસાદ જોષી, તેજ બહાદુર બુડા અને દિનેશ બીષ્ટા (તમામ રહે – બીએમસી ચેમ્બર પાર્કિંગ, સુભાનપુરા), ગોપાલ જોષી (રહે – રાજરત્ન સોસાયટી, નવાપુરા), ગંગા બીષ્ટા (રહે – સ્વાગત કોર્નર હોટલ, ખોડીયાર નગર ચાર રસ્તા), તુલસી ભંડારી (રહે – ગુણાતીત પાર્ક, સન ફાર્મા રોડ), માયારામ જોષી (રહે – શાકમાર્કેટ સામે, દિવાળીપુરા) અને ક્રિષ્ના અધિકારી (રહે – અમૃતનગર સોસાયટી, સમતા)નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી અંગજડતીના રોકડા રૂ. 26,780, જમીનદાવ પરના રોકડા રૂ. 7,260 તેમજ 8 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 72,540નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નવાપુરા પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

