તહેવારની સિઝનમાં મહેસાણાના ગિલોસણમાં ફેક્ટરીમાંથી 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું

Image Twitter |
Duplicate Ghee Factory : પ્રકાશપર્વ દિવાળીના તહેવારોની આડે ગણતરીના દિવસો અગાઉ મહેસાના ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી મે.શિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે રૂ. 96 લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી. ફૂડ અધિકારીઓએ તાલુકા પોલીસને સાથે રાખીને ફેક્ટરી પર તપાસ કરી. પોલીસે પકડેલાં રૂ. 95, 59,718 નો જથ્થો સીઝ કરી તેમાંના ઘીના 18 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે સરકારી લેખોરેટરીમાં મોકલી આપ્યાં હતા.
રૂ. 95,59,718 નો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો
તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ નાઈટ પ્રેટોલિંગમાં હતા. ત્યારે ગિલોસણ ગામે પટેલ નિતેશભાઈ ગોવિંદભાઈની માલિકીની મે. શિવાન ફૂડ પ્રોડક્ટ્સ ( યુક્રેન એસ્ટેટ, 50/એ, 50/બી, 51/બી, સર્વે નં. 71) નામની ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે છાપો મારી શંકાસ્પદ ઘીનો રૂ. 95,59,718 નો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે આ અંગે જિલ્લા ફૂડ તંત્રને જાણ કરી હોવાનું અને ફેક્ટરીને સીલ મારી દીધી હોવાનું પી.આઈ.એ જણાવ્યું હતું. સોમવારે ફૂડ અધિકારીઓએ ગિલોસણ ગામની ઘી બનાવતી ફેક્ટરીમાંથી જુદાજુદા ઘીના 18 સેમ્પલ લીધાં હતા.
ફેક્ટરી માલિક પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈ સામે કાર્યવાહી
આ બાબતે ઈન્ચાર્જ ફૂડ અધિકારીએ કહ્યું કે, ફુડતંત્રની ટીમે સ્થળ પર જઈ શંકાસ્પદ ઘીના 18 સેમ્પલ લઈ ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે.ફૂડ ઓફિસર્સની ટીમે શંકાસ્પદ ઘીનો અંદાજે રુ. 95,59,712 નો કુલ 16812 લિટર જથ્થો સીઝ કરી ફેક્ટરી માલિક પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
તંત્રએ ફેક્ટરીમાંથી શંકાસ્પદ અમૃત પ્યોર ઘી, અમૃત કાઉ ઘી, ગૌધારા કાઉ ઘીના અંદાજે 75 પતરાના ડબા તથા આશરે 700 જેટલાં જુદી જુદીથી બ્રાન્ડના કાર્ટુન સીઝ કર્યા હતા. ઈન્ચાર્જ ફૂડ અધિકારીએ કહ્યું કે, લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ રિપોર્ટના આધારે દંડ અને સજાની જોગવાઈ
મહેસાણા ફૂડ તંત્રના ઈન્ચાર્જ અધિકારી જે.જે. પ્રજાપતિએ કહ્યું કે, શંકાસ્પદ ઘીના સેમ્પલનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવે તો અધિક નિવાસી કલેક્ટર (આર.એ.સી.) ની કોર્ટમાં કેસની કાર્યવાહી કરી શકાય છે. તેમાં એકમ માલિકને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે અનસેફ રિપોર્ટ આવે તો જયુડીશીયલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. તેમાં રૂ.3 લાખ સુધીના દંડની જોગવાઈ અને 3 માસ સુધીની કેદની સજાની જોગવાઈ છે.