Get The App

પ્રેમસંબંધમાં કરૂણ અંજામ: અમદાવાદમાં 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
પ્રેમસંબંધમાં કરૂણ અંજામ: અમદાવાદમાં 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ 1 - image


Ahmedabad Crime News: અમદાવાદના સરખેજ વિસ્તારની નરીમનપુરા કેનાલમાંથી મંગળવારે સાંજે એક 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે સગીરાના બોયફ્રેન્ડ દ્વારા હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે.

કેનાલમાંથી મૃતદેહ મળ્યો, માતાએ કરી ઓળખ

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેનાલમાં મૃતદેહ સૌપ્રથમ સ્થાનિક લોકોએ જોયો હતો, જેમણે તરત જ સરખેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી અને મૃતકની ઓળખ માટે સગીરાની માતાને બોલાવવામાં આવી હતી. માતાએ મૃતદેહ તેમની ગુમ થયેલી પુત્રીનો હોવાની પુષ્ટિ કરી હતી.

શરીર પર ઈજાના નિશાન, ગળું દબાવી હત્યાની શંકા

પ્રાથમિક તપાસમાં મૃતકના ગળા અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેનાલમાં ફેંકતા પહેલા સગીરાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોઈ શકે છે.

પોલીસે જણાવ્યું હતું કે મૃતક સગીરા અજય ઠાકોર નામના રિક્ષાચાલક સાથે પ્રેમ સંબંધમાં હતી. આશરે બે મહિના પહેલા તે પોતાનું બર્થ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો લઈને ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી અને ત્યારથી તે અજય સાથે રહેતી હતી. મૃતદેહ મળી આવ્યા બાદ સગીરાની માતાએ અજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં તેમણે હત્યાનો આરોપ લગાવ્યો છે. સરખેજ પોલીસે અજયના એક મિત્રની અટકાયત કરી છે, જેણે ગુનામાં મદદ કરી હોવાની શંકા છે, જ્યારે મુખ્ય આરોપી અજય ઠાકોર હજુ પણ ફરાર છે.

મુખ્ય આરોપીને પકડવા શોધખોળ ચાલુ

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમે અજય ઠાકોરને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.' તેમણે ઉમેર્યું કે ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મૃત્યુનું નક્કર કારણ અને હત્યાના સમય અંગે માહિતી પ્રાપ્ત કરવામાં મદદ મળશે. 


Tags :