સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં, જાહેર સ્થળ પર ચેકિંગ હાથ ધર્યું

- પહેલા શસ્ત્ર વિરામ પછી ફરી સિઝફાયર ઉલ્લંઘનની સ્થિતિ વચ્ચે
- જિલ્લામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કેમ્પ યોજાયા : પ્રાંત અધિકારીએ જ્ઞાાતિના આગેવાન સાથે બેઠક યોજી
સુરેન્દ્રનગર : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે શનિવાર સાંજે બંને દેશએ શસ્ત્ર વિરામની જાહેરાત કરી હતી પરંતુ થોડી કલાકમાં પાકિસ્તાને સેના સિઝફાયરનું ઉલ્લંઘન કરી ફાયરિંગ શરુ કર્યું હતું. જોકે આ પહેલા જિલ્લા વહવિટી તંત્રએ વર્તમાન પરિસ્થિતિને લઇને સજ્જ બન્યું હતું.
યુધ્ધની પરિસ્થિતિ દરમિયાન લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તેમજ બહારથી કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ કે વસ્તુઓ પ્રવેશ ન કરી શકે તેવા હેતુથી એસઓજી પોલીસ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કરી ભાવોમાં કોઈ વધારો ન થાય તે માટે આવશ્યક ચીજવસ્તુના વિક્રેતા, રીટેઈલર્સ, પ્રોસેસર્સ, મિલર્સ અને ઈમ્પોર્ટસને સુચનાઓ તેમજ કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ સુચનાઓ આપવામાં આવી છે. તેમજ જો કોઈ વ્યકિત કે સંસ્થા આવશ્યક ચીજ વસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે તો તેમના વિરુદ્ધ નિયમો મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વઢવાણ ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ તકે તમામ જ્ઞાાતિના આગેવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે લોહીની જરૂરીયાત ઉભી થાય તો તેને પહોંચી વળવાના હેતુથી લીંબડી સરકારી હોસ્પીટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સરકારી અધિકારીઓ-કર્મચારીઓ પોલીસ સહિતના લોકો એ સ્વેચ્છિક રકતાન કર્યું હતું. રક્તદાતાઓને ઓપરેશન બ્લડ સિંદુર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

