વૈભવ હત્યા કેસમાં કુખ્યાત વિપુલ પરમાર શંકાના ઘેરામાં, પોલીસને હાથતાળી આપી ફરાર
Gandhinagar Robbery Case : ગાંધીનગર નજીક અંબાપુર કેનાલ પર થયેલી યુવક વૈભવની હત્યામાં પોલીસને મહત્વની કડીઓ મળી છે. આ હત્યામાં કુખ્યાત ગુનેગાર વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમારનો હાથ હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લૂંટના ઈરાદે આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે.
આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતા વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમાર શનિવારે પોલીસને હાથતાળી આપીને નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને દહેગામ તથા આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વિપુલ પરમાર દહેગામના કડાદરા ગામનો રહેવાસી છે અને અગાઉ પણ હત્યાના ગુનામાં જેલમાં જઈ ચૂક્યો છે. તે તાજેતરમાં જ રેગ્યુલર જામીન પર બહાર આવ્યો હતો અને ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થયો હોવાનું મનાય છે.
આ પણ વાંચો: અમદાવાદના અડાલજ નજીક લૂંટ વિથ મર્ડર, બર્થડે મનાવવા ગયેલા યુવકની છરીના ઘા મારી હત્યા
વૈભવની હત્યા અને યુવતી ઇજાગ્રસ્ત
અંબાપુર કેનાલ પર થયેલી આ ઘટનામાં વૈભવ નામના યુવકની હત્યા થઈ હતી, જ્યારે તેની સાથે રહેલી એક યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. યુવતી હાલ સારવાર હેઠળ છે અને પોલીસ તેની પાસેથી પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસને આશા છે કે આ યુવતી પાસેથી વિપુલ વિશે વધુ માહિતી મળી શકે છે. હાલ પોલીસ વિપુલને ઝડપી પાડવા માટે તમામ સંભવિત પ્રયાસો કરી રહી છે.
શું હતી ઘટના?
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. આ દરમિયાન, કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની આસ્થા અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી.
ભૂતકાળમાં પણ બની ચૂકી છે લૂંટની ઘટનાઓ
સ્થાનિક રહેવાસીઓએજણાવ્યું હતું કે અંબાપુર કેનાલ રોડ પર ભૂતકાળમાં પણ હિંસક લૂંટની ઘટનાઓ બની છે. તેમણે સત્તાવાળાઓને રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આ વિસ્તારમાં વધુ સારી લાઇટિંગ અને સર્વેલન્સ ઇન્સ્ટોલ કરવા વિનંતી કરી છે.