Get The App

ઓઢવમાં નકલી દારૂના કૌભાંડનો પર્દાફાશ, સસ્તા દારૂને 'પ્રીમિયમ' બ્રાન્ડમાં ખપાવતી મહિલાની ધરપકડ

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
ઓઢવમાં નકલી દારૂના કૌભાંડનો પર્દાફાશ, સસ્તા દારૂને 'પ્રીમિયમ' બ્રાન્ડમાં ખપાવતી મહિલાની ધરપકડ 1 - image


Ahmedabad News : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સસ્તા ભાવના દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરીને વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો પતિ હાલ ફરાર છે. ઓઢવ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અરિહંતબાગ સોસાયટીના એક મકાનમાં નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે 19 જાન્યુઆરીએ દરોડો પાડ્યો હતો.

ઓઢવમાં નકલી દારૂના કૌભાંડનો પર્દાફાશ, સસ્તા દારૂને 'પ્રીમિયમ' બ્રાન્ડમાં ખપાવતી મહિલાની ધરપકડ 2 - image

નકલી દારૂ ગ્રાહકોને ઊંચા ભાવે પધરાવી દેતા 

આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ પરથી 40 વર્ષીય લક્ષ્મીબેન શાહની ધરપકડ કરી છે. જ્યારે સહ-આરોપી અને તેનો પતિ અલ્પેશભાઈ કનુભાઈ શાહ નાસી છૂટવામાં સફળ રહ્યો છે. આ દંપતી મોંઘી અને પ્રીમિયમ બ્રાન્ડની ખાલી બોટલો મેળવી લેતા હતા, જેમાં તેઓ સસ્તો ઇંગ્લિશ દારૂ ભરીને, નકલી ઢાંકણા અને સ્ટીકરો લગાવીને ગ્રાહકોને ઊંચા ભાવે અસલી કહીને પધરાવી દેતા હતા. 

30 બ્રાન્ડેડ બોટલ, દારૂની 33 લિટર નકલી દારૂની થેલીઓ જપ્ત

આ દરોડામાં પોલીસે કુલ ₹2.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એટલું જ નહીં, આ દંપતિ પાસેથી જાણીતી લિકર બ્રાન્ડની 30 બોટલો, નકલી ઢાંકણા અને સ્ટીકરો પણ મળી આવ્યા છે. આ સિવાય પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલો આશરે 33 લિટર છૂટક દારૂ પણ જપ્ત કરાયો છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં ટાઇલ્સના પાઉડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 3ની ધરપકડ

નોંધનીય છે કે, ઓઢવ પોલીસ સ્ટેશનમાં આ દંપતી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને તેઓ કોને આ નકલી દારૂ સપ્લાય કરતા હતા, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.