Liquor Seizure In Ahmedabad: અમદાવાદમાં સોલા પોલીસે એસ. જી. હાઇવે પર એક ટ્રકમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીને આધારે રેડ દરમિયાન એક ટ્રકમાં ટાઇલ્સ બનાવવાના પાવડરના કટ્ટા નીચે છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. જે બાદ પોલીસે 19.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખસોની ધરપકડ કરી છે.
પ્લાસ્ટિકના બોક્સમાં દારૂનો જથ્થો છુપાવ્યો
મળતી માહિતી મુજબ, સોલા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક ટ્રક વૈષ્ણોદેવી બ્રીજ તરફથી વિદેશી દારૂ ભરીને સરખેજ તરફ જઈ રહ્યો છે. જેના આધારે પોલીસે સોલા બ્રીજના છેડે વોચ ગોઠવીને ટ્રકમાં તપાસ કરી હતી. જ્યારે ટ્રકને ઊભી રખાવી તે વખતે તેમાં સવાર 3 શખસોએ પોલીસને જણાવ્યું હતું કે ટ્રકમાં ટાઇલ્સ બનાવવાનો પાવડર ભરેલો છે અને તેઓ તેને મોરબી લઈ જઈ રહ્યા છે. જો કે, પોલીસને શંકા જતાં બે-ત્રણ કટ્ટા હટાવવામાં આવ્યા, ત્યારે નીચેથી પ્લાસ્ટિકના બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 228 બોટલ વિદેશી દારૂ, ટ્રક, 3 મોબાઈલ ફોન અને 800 નંગ પાવડરના કટ્ટા સહિત કુલ 19,07,080નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: ચંડોળા-ઈસનપુર બાદ હવે વટવાનો વારો, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન શરૂ
દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલવામાં આવ્યો હતો
પોલીસે રાજસ્થાનના કૈલાશચંદ્ર ધનપાલ કોટેડ, જીવતરામ કાવા ઔતા અને અલ્પેશ બંસીરામ મીણાની ધરપકડ કરી છે. આ ત્રણેયએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના ખેરવાડાના હીરા કલાસવા દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે મોરબી ખાતે પહોંચાડવાનો હતો. આ પછી હાલ સોલા પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


