મુળીના રાણીપાટ ગામની સીમમાં દારૃના કટિંગ પર પોલીસની તરાપ
થાનના વેલાળા ગામના બુટલેગરે દારૃનો જથ્થો મંગાવ્યો હતો
૧૩ લાખનો દારૃ, વાહન સહિત રૃા.૪૮.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ મુળી અને રાજસ્થાનનો શખ્સ ઝડપાયા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે મુળી પોલીસે બાતમીના આધારે રાણીપાટ ગામની સીમમાં ઈંગ્લીશ દારૃના ચાલુ કટીંગ પર રેઈડ કરી લાખોના મુદ્દામાલ સાથે બે શખ્સોને સ્થળ પરથી ઝડપી પાડયા હતા અને અન્ય શખ્સો સહિત ૧૦ જેટલા લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મુળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૃનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે મુળી પોલીસે ટીમ સાથે રાણીપાટ ગામની ગોરીધાર તરીકે ઓળખાતી સીમમાં રેઈડ કરી હતી. દરોડા દરમિયાન દારૃનું કટિંગ ચાલી રહ્યું હતું. પોલીસે દરોડો પાડી સ્થળ પરથી ઈંગ્લીશ દારૃની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ-૨૪૫૭ (કિં.રૃા.૧૩,૧૩,૧૬૦), ટ્રક (કિં.રૃા.૩૦ લાખ), યુટીલીટી પીકઅપ (કિં.રૃા.૫ લાખ), ૪ નંગ મોબાઈલ (કિં.રૃા.૮૦,૦૦૦) સહિત કુલ રૃા.૪૮,૯૩,૧૬૦ના મુદ્દામાલ સાથે છત્રપાલસિંહ મહાવિરસિંહ રાણા (રહે.રાણીપાટ તા.મુળી) અને ગોરધનરામ ગોકલારામ જાટ (રહે.રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સોની પુછપરછ કરતા અન્ય શખ્સોની પણ સંડોવણી બહાર આવી હતી જેમાં દારૃ મંગાવનાર વીસુભાઈ ભરતભાઈ ઉર્ફે ઠુઠી ખાચર (રહે.વેલાળા તા.થાન), મંગળુભાઈ તથા અન્ય બે અજાણ્યા શખ્સો (નાસી છુટનાર), પીકઅપ ગાડીના ડ્રાઈવર અને માલીક, ટ્રકના માલીક અને દારૃ ભરી આપનાર સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.