પાકિસ્તાનથી ભાગીને ગુજરાત આવેલું યુગલ પુખ્ત વયનું હોવાનો ખુલાસો, હવે બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરાશે

Kutch News : પાકિસ્તાનની યુગલ રણ સરહદ પાર કરીને ગત 8 ઓક્ટોબર, 2025ના રોજ કચ્છના રાપરના સરહદી રતનપર ગામે પહોંચી આવ્યા હતા. પાકિસ્તાની યુગલ મામલે જાગૃત ગ્રામજનોને ધ્યાને આવતાં બંનેને ખડીર પોલીસના હવાલે કરાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓ સગીર અને એકબીજાને પ્રેમ કરતા હોવાનું જણાવ્યું હતું. જેમાં યુગલના પરિવારને મંજૂર ન હોવાથી તેઓ સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા. આ મામલે હવે પાકિસ્તાન છોડીને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની યુગલ સામે 1 મહિનો અને 10 દિવસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની યુગલ સામે FIR દાખલ
રાપરના રતનપર ગામ પાસેથી ઝડપાયેલા પાકિસ્તાની યુગલે શરૂઆતમાં પોતાની ઉંમર 15-16 વર્ષની હોવાનું જણાવ્યું હતું. જોકે, ખડીર પોલીસ દ્વારા બંનેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં બંનેની વય નિર્ધારિત માટે કરવામાં આવેલા તબીબી પરીક્ષણમાં બંને પુખ્ત વયના હોવાનું સ્પષ્ટ આવ્યું છે.
ખડીર પોલીસે જણાવ્યું હતું કે, તોતો ઉર્ફે તારા રણમલ ચૂડી (ભીલ)ની ઉંમર 20 વર્ષથી વધુ હોવાનું જણાય છે, જ્યારે મીના ઉર્ફે પુજા કરશન ચૂડીની ઉંમર 18થી 20 વર્ષની અંદરમાં હોવાનું જણાય છે. આમ તબીબી પરીક્ષણમાં બંને સગીર ન હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક પૂછપરછમાં યુગલે શું જણાવ્યું?
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુગલે જણાવ્યું હતું કે, તેઓ ભીલ સમાજના છે અને પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના વતની છે. બંને એકજ જ્ઞાતિના છે અને દૂરના સગા છે. તેમના પરિવારે બંનેના પ્રેમ સંબંધથી વાંધો હોવાથી તેઓ રણ સરહદ પાર કરીને કચ્છ-ભારતમાં પ્રવેશ્યા હતા.
પૂર્વ કચ્છના એસપીએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા પાકિસ્તાની યુગલ સહિત અન્ય 15 જેટલા પાક. નાગરિકોને કોન્સ્યુલર એક્સેસ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. યુગલ પર આવ્યા બાદ તેમની વિરૂદ્ધમાં ઈન્ડિયન પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતમાં ઘૂસણખોરી મામલે યુગલના બ્રેઈન મેપીંગ ટેસ્ટ અને પોલિગ્રાફ કરાશે.

