16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ

Mahesana News : ગુજરાતમાં લગ્નના પવિત્ર સંબંધને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હને 16 વખત લગ્ન કરીને યુવકો અને તેમના પરિવારને છેતર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતી અને દલાલ દ્વારા લગ્નના બહાને લાખોની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસે મહેસાણામાં લૂંટેરી દુલ્હન અને દલાલ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં બોગસ દસ્તાવેજો દ્વારા લગ્નના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવનારી મહેસાણાની એક ટોળકીની મહેસાણા પોલીસે ધરપકડ કરી છે. જેમાં ચાંદની ઠાકોર, રશ્મિકા પંચાલ, દલાલ રાજેશ ઠક્કર સહિતના ચાર આરોપીની મહેસાણા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી દલાલ રાજેશ લગ્ન ઈચ્છુક યુવકો શોધીને લાવતો હતો. જેમની સાથે આ યુવતી લગ્ન કરતી અને લગ્નના થોડા જ દિવસોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ જતી હતી. આ ટોળકી દ્વારા 18 વખત લગ્ન કરીને આશરે 52 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
લગ્ન કરીને થોડા દિવસોમાં ફરાર થઈ જતી ટોળકી દ્વારા ખોટા દસ્તાવેજ અને આધારા પુરાવા બતાવીને યુવકોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા અને પછી લગ્ન બાદ દાગીના-રોકડ લઈને ફરાર થઈ જતાં હતા. આરોપીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 1200 જેટલાં આવા દલાલો છે. મહેસાણા પોલીસે સમગ્ર રેકેટ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

