Ahmedabad News : ગુજરાતમાં એમ્બરગ્રીસ ઝડપાવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદે એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા 8.70 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો
મળતી માહિતી મુજબ, પોલીસે સરખેજ મકરબા ટોરન્ટ પાવર રોડ પર નવા બની રહેલા ઓવરબ્રિજની બાજુમાં આવેલા સત્યદીપ હાઈટ્સ પાસેથી ચાર શખ્સોને વોચ ગોઠવીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એમ્બરગ્રીસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને પકડેલા ચાર આરોપીઓ પાસેથી કુલ 8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસના નાના-મોટા ટુકડાઓ મળ્યા હતા. બજારમાં આ પદાર્થની કિંમત રૂપિયા 8,70,40,000 છે.

સુરતથી લાવી અમદાવાદમાં વેચાવાના હતા
ઝડપાયેલા ચાર આરોપીઓની ઓળખ રિંકુસિંહ સમરબહાદુરસિંહ રાજપુત (ઉં.વ.21), શષાંક પાંડે(ઉં.વ.29), એજેક્સ વ્યાસ(ઉં.વ.23) અને જતીન પાટીલ(ઉં.વ.25) તરીકે થઈ છે. આરોપી અમદાવાદના નરોડા અને ન્યુ મણિનગર વિસ્તારના રહેવાસી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ એમ્બરગ્રીસનો જથ્થો સુરત ખાતે રહેતા બિપિન સોલંકી નામના એક શખસ પાસેથી મેળવ્યો હતો. આરોપી એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહકો શોધી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.
શું હોય છે વ્હેલની ઉલટી?
આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે.
એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે, જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે.

આટલી મોંઘી કેમ?
આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યમ બનાવવામાં કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ છે.


