Chinese manja seized Ahmedabad Police: આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ ચાઇનીઝ તુક્કલ/લેન્ટર્ન, ચાઇનીઝ માંજા, ગ્લાસ કોટેડ થ્રેડ, સિન્થેટીક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી અને નાયલોન દોરીના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલુપુર ખાતે આવેલ એમ. એસ. શોપિંગ સેન્ટરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે અને મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે, કાલુપુર ટાવર પાસે આવેલા એમ. એસ. શોપિંગ સેન્ટરની દુકાન નંબર 12, પહેલા માળે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ સ્થળેથી પ્રતિક ઉર્ફે લાલો કંસારાને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં સફેદ પ્લાસ્ટિકમાં લપેટેલા 13 બોક્સમાંથી કુલ 492 નંગ ચાઇનીઝ દોરીની રીલ મળી આવી હતી. જપ્ત કરાયેલા આ જથ્થાની કુલ કિંમત 1,23,000 રૂપિયા છે. આરોપી પ્રતિક સામે ડી. સી. બી. પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આરોપીએ આ ચાઇનીઝ દોરીનો જથ્થો ક્યાંથી મંગાવ્યો હતો અને તે કોને વેચાણ કરવાના ઇરાદે રાખવામાં આવ્યો હતો.


