Festival Chaos in Ahmedabad: અમદાવાદમાં ઉત્તરાયણના પવિત્ર પર્વમાં અનેક સ્થળોએ માહોલ તંગ બન્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મારામારીની 6 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેમાં ફતેવાડીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હુમલો થયો હતો, જ્યારે મકરબામાં સમાધાન કરાવવા ગયેલા ભાઈઓ પર લાકડીઓ વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો.
ફતેવાડીમાં મહિલાઓની હાજરીમાં ગાળાગાળીનો વિરોધ કરતાં છરી ઝીંકી
મળતી માહિતી અનુસાર, શહેના ફતેવાડીની અલશુકુન-1 સોસાયટીમાં સલમાનખાન અસલમખાન તેના મિત્ર સાથે ધાબા પર પતંગ ચગાવતો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતા ફૈઝાન નામના શખસે બિભત્સ ગાળાગાળી શરૂ કરી હતી. ધાબા પર મહિલાઓની હાજરી હોવાથી સલમાનખાને ગાળો બોલવાની મનાઈ કરી હતી. આ વાતની અદાવત રાખી ફૈઝાન, તેના ભાઈ ફરહાન અને પિતા યાસીન ઉર્ફે બાટલાએ એકસંપ થઈ સલમાન પર લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વાસી ઉત્તરાયણે ગુલબાઈ ટેકરામાં દારૂ-ડાન્સ પાર્ટી કરતી 4 યુવતી સહિત 16 ઝડપાયા
મકરબામાં પાડોશીનો ઝઘડો શાંત પાડવા ગયેલા ભાઈઓ પર હુમલો
બીજી તરફ મકરબાના કૃષ્ણધામ ઔડાના મકાનોમાં પણ પતંગોત્સવ દરમિયાન હિંસા થઈ હતી. મહેશ ઠાકોર અને તેમનો પરિવાર પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે પાડોશી લાલુ ઠાકોર સાથે 4 અજાણ્યા શખસો ઝઘડો કરી રહ્યા હતા. મહેશભાઈ આ ઝઘડો શાંત પાડવા વચ્ચે પડ્યા હતા. સમાધાન કરાવવા ગયેલા મહેશ અને તેમના ભાઈ વિજય પર ચારેય શખસોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ ચારેય શખસો કાર લઈને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મહેશને હોસ્પિટલ ખસેડાયા છે અને આનંદનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના પશ્ચિમ વિસ્તારોમાં થયેલી આ 6 મારામારીની ઘટનાઓને પગલે પોલીસ સજ્જ બની છે. પોલીસના જણાવ્યાનુસાર, તહેવારના નામે શાંતિ ભંગ કરનારા અને છાકટા બનેલા તત્ત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


