અમદાવાદથી PM મોદીનો અમેરિકાને જવાબ: ભલે ગમે તેટલું દબાણ હોય ખેડૂતોનું નુકસાન નહીં થવા દઉં
PM Modi Road Show in Ahmedabad Gujarat: વડાપ્રધાન મોદી 25 અને 26 ઑગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ઍરપોર્ટ પર ઉતર્યા બાદ નિકોલમાં આયોજિત રોડ શૉ માટે રવાના થયા હતા. વડાપ્રધાને નિકોલમાં રૂ. 5477 કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ જનસભા સંબોધિત કરી જેમાં તેમણે અનેક મહત્ત્વના મુદ્દાઓ આવરી લીધા હતા.
ગણેશોત્સવ પહેલા અનેક પરિયોજનાઓનો શ્રીગણેશ થયો: PM મોદી
દેશભરમાં ગણેસોત્સવનો અદ્ભુત ઉત્સાહ છે. ગણપતિ બાપાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો પણ શ્રીગણેશ થયો છે. મારું સૌભાગ્ય છે કે આજે મને વિકાસના અનેક પ્રોજેક્ટ જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરવાનો, તમને સોપવાનું સૌભાગ્ય મળ્યું છે.
અમદાવાદથી અમેરિકાને જવાબ
સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનું નામ લીધા વિના ટ્રમ્પને જવાબ આપ્યો હતો. PM મોદીએ કહ્યું, કે 'દુનિયામાં આજે આર્થિક સ્વાર્થની નીતિ જોવા મળી રહી છે. પણ હું મારા નાના બિઝનેસમેન અને ખેડૂતોને વાયદો કરું છું કે મારા માટે તમારું હિત સર્વોપરી રહેશે. મારી સરકાર ક્યારેય ખેડૂતો અને પશુપાલકોનું નુકસાન થવા દેશે નહીં. દબાણ ભલે ગમે તેટલું હોય, અમે આપણી શક્તિ વધારતાં જઈશું.'
આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી: PM મોદી
જ્યારે હુલ્લડબાજો પતંગ ચગાવવા જેવી લાઇનમાં ઢાળી દે, કરફ્યુમાં જીવન ગુજારવું પડે, વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઈ જતી, અમારું લોહી વહાવતા હતા. દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઈ કરતી નહતી. આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી પછી તે ક્યાંય પણ છુપાયા હોય, દુનિયાએ જોયું છે પહલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો. 22 મિનિટમાં આ બધું સફાચટ કરી નાખ્યું. સેંકડો કિલોમીટર અંદર જઈને નક્કી કરેલા નિશાન પર વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર આપણી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છાશક્તિનું પ્રતિક બની ગયું છે. ચરખાધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યું હતું.
બે મોહનની ધરતી છે ગુજરાત: PM મોદી
ગુજરાતની આ ધરતી બે મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્ર ધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને બીજા ચરખાધારી મોહન એટલે કે સાબરમતીના સંત પૂજ્ય બાપુ. ભારત આજે આ બન્નેના બતાવેલા રસ્તા પર ચાલીને નિરંતર સશક્ત થયું છે. સુદર્શન ચક્રધારી મોહને આપણને શીખવાડ્યું છે કે દેશની,સમાજની રક્ષા કેવી રીતે કરાય, તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવડાવ્યું છે જે દુશ્મનને પાતાળમાં પણ શોધીને સજા આપે છે. આ જ ભાવ આજે ભારતના નિર્ણયમાં પણ દેશ અનુભવ કરી રહ્યો છે, દેશ જ નહીં દુનિયા અનુભવ કરી રહી છે.
ગુજરાત બનશે સેમિ કંડક્ટરનું હબ: PM મોદી
હું કાલે હંસલપુર જઈ રહ્યો છું ત્યા ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ યુનિટને લઇને શરૂઆત થઈ રહી છે. આજે જેટલા પણ આધુનિક ઉપકરણ બની રહ્યા છે તે સેમિ કંડક્ટર વગર નથી બની શકતા. ગુજરાત હવે સેમિ કંડક્ટરમાં પણ મોટું નામ કરવા જઈ રહ્યું છે. ટેક્સટાઇલ, જ્વેલરી હોય ગુજરાતની ઓળખ બની ગઈ છે. દવા, વેક્સિન અને ફાર્મા ઉત્પાદનમાં પણ દેશનું એક તૃતિયાંશ એક્સપોર્ટ ગુજરાતમાંથી થાય છે. આજે ભારત સૌર,પવન અને પરમાણુ ઊર્જા મામલે ઝડપથી આગળ વધી રહ્યું છે.
ગુજરાત ગ્રીન એનર્જી મોટું કેન્દ્ર બનશે: PM મોદી
ગુજરાત ગ્રીન એનર્જી અને પેટ્રો કેમિકલ્સનું પણ એક મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગુજરાત દેશની પેટ્રોકેમિકલ્સની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. પ્લાસ્ટિક ઉદ્યોગ, સિન્થેટિક, દવા, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ, કોસ્મેટિક્સનું સૌથી મોટો આધાર પેટ્રો કેમિકલ્સ સેક્ટર છે. ગુજરાતમાં જૂના ઉદ્યોગોનો વિસ્તાર થઈ રહ્યો છે.
ગુજરાત એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું: PM મોદી
વડાપ્રધાન મોદીએ ટુરિઝમને લઈને કહ્યું કે, કચ્છના રણમાં સફેદ રણ જોવા માટે દુનિયાને ઘેલું લાગે, સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવાનું મન થાય, બેટ દ્વારકાનો બ્રિજ જોવા લોકો આવે, એક વાર નિર્ણય કરીએ તો પરિણામ આવીને જ રહે છે.
સ્વદેશી વસ્તુની ખરીદીને લઈને વડાપ્રધાને શું કહ્યું?
સ્વદેશી વસ્તુની ખરીદી કરવાને લઈને વડાપ્રધાને કહ્યું કે, 'હું દેશવાસીઓને આગ્રહ કરું છુ કે, "હું સ્વદેશી ખરીદીશ" આને આપણે જીવનમંત્ર બનાવીએ. જ્યારે વેપારીઓને કહીશ કે તમે વિદેશી વસ્તુઓ ન વેચો. હું દુકાનદાર, વેપારીઓને કહેવા માગું છું કે, નક્કી કરી લો કે વિદેશી માલ નહીં વેચું અને દેશને આગળ વધારવામાં યોગદાન આપો.'
PM મોદીએ કહ્યું કે, 'કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, ત્યારે સરકારે GSTમાં સુધારા કરી મોટી ભેટ આપશે. આગામી દિવાળીએ વેપારીઓ-સામાન્ય લોકોને ખુશીનું ડબલ બોનસ મળી રહેશે.'
મિલોના ભૂંગળા ભલે બંધ થયા વિકાસના વાવટા ફરકાવી દીધા: PM મોદી
મને યાદ છે આપણે ઘણી વાર માથે હાથ મૂકીને રડતા રહેતા. આજથી 30 વર્ષ પહેલાના જે લોકો દિવસો યાદ કરે છે તે કહેતા મિલો બંધ થઈ ગઈ...મિલો બંધ થઈ ગઈ...કોઈ નેતા આવે એટલે એમ જ પૂછે મિલો બંધ થઈ ગઈ શું કરશો? આજે ગુજરાતમાં મિલોના ભૂંગળા ભલે બંધ થયા વિકાસના વાવટા ફરકાવી દીધા છે. નવા ઉદ્યોગોનો પાયો નાંખવામાં આવી રહ્યો છે અને આ તમામ પ્રયાસ આત્મનિર્ભર ભારતને મજબૂત કરી રહ્યા છે. ગુજરાતના યુવાઓ માટે રોજગારની તકો ઊભી થઈ છે.
ગર્દાબાદ તરીકે ઓળખાતું અમદાવાદ આજે દેશમાં સ્વચ્છતામાં નંબર: PM મોદી
અમદાવાદ શહેર આ સપના અને સંકલ્પોનું શહેર બની રહ્યું છે અને એક સમય હતો જ્યારે લોકો અમદાવાદને ગર્દાબાદ કહીને મજાક ઉડાવતા હતા. ચારે તરફ ઉડતી ધૂળ-માટી, કચરાના ઢેર આ શહેરનું દુર્ભાગ્ય બની ગયું હતું. મને ખુશી છે કે આજે સ્વચ્છતા મામલે અમદાવાદ દેશમાં નામ કમાઈ રહ્યું છે. આ દરેક અમદાવાદીના સહયોગથી સંભવ થઈ શક્યું છે. આ સ્વચ્છતાનું અભિયાન એક દિવસનું નથી આ પેઢી દર પેઢી રોજે રોજ કરવાનું કામ છે.
વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમને લઇને કહ્યુ કે, 'હું તે સમયે સાબરમતી આશ્રમનું કામ કરવા માંગતો હતો, પણ કેન્દ્ર સરકાર તે સમયે અમારા અનુકૂળ નહતું. તે ગાંધીજીના અનુકૂળ પણ નહતી અને તેને કારણે હું તે કામને ક્યારેય આગળ વધારી ના શક્યો. જ્યારથી તમે મને દિલ્હી મોકલ્યો છે, જેમ સ્ટેચ્યુ ઑફ યુનિટી સરદાર પટેલનું ભવ્ય સ્મારક દેશ અને દુનિયા માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે, સાબરમતી આશ્રમનું નવીનીકરણનું કામ પૂર્ણ થશે ત્યારે દુનિયા માટે શાંતિની પ્રેરણાભૂમિ સાબરમતી આશ્રમ બનશે.'
સ્પોર્ટ્સ અને ઇવેન્ટનું હબ બન્યું અમદાવાદ: PM મોદી
આજે અમદાવાદ કોન્સર્ટ ઈકોનોમીનું કેન્દ્ર બની રહ્યું છે. કેટલાક સમય પહેલા કોલ્ડ પ્લે કોન્સર્ટ થઈ તેની ચર્ચા આખા વિશ્વમાં થઈ, એક લાખની કેપિસીટી સાથે અમદાવાદનું સ્ટેડિયમ સૌના આકર્ષણનું કેન્દ્ર છે. અમદાવાદ મોટા મોટા કોન્સર્ટ કરી શકે છે અને સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે પણ તૈયાર છે.
ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શૉ
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને પગલે અમદાવાદમાં ઍરપોર્ટથી માંડીને નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજવાની સજ્જડ તૈયારી કરાઈ હતી. આ સમગ્ર રસ્તા પર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ ઊભા કરાયા હતા. પીએમ મોદીએ નિકોલમાં જનસભા સંબોધતા પહેલા હરિદર્શન ચાર રસ્તાથી લઈને નિકોલ ખોડલ ધામ ગ્રાઉન્ડ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શૉ કર્યો
રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
અમદાવાદમાં વડાપ્રધાન મોદીના હસ્તે રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને રૂ. 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું. રૂ. 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)ના આઇએસએસઆર ઘટક હેઠળ રામાપીરના ટેકરાના સેક્ટર-3ની ઝૂંપડપટ્ટીના વિકાસનું પણ લોકાર્પણ કરાયું. આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વાન્ટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમૂહુર્ત કરાયું.
આ પણ વાંચો: PM મોદીની ડિગ્રી સાથે જોડાયેલી માહિતી નહીં આપીએ, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશ
સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું પણ ખાતમુહૂર્ત
અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ કરાશે. આ ઉપરાંત અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવા બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર માર્ગીય વ્યવસ્થા છ માર્ગીય બનાવશે. આ પ્રોજેક્ટ કુલ ખર્ચ રૂ.1624 કરોડનો ખર્ચ કરાશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વડાપ્રધાન મોદીના હસ્તે રૂ. 555 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું.