અમદાવાદમાં આજે PM મોદીનો રોડ શૉ, અમુક રસ્તા બંધ રહેશે, જાણો પ્રતિબંધિત-વૈકલ્પિક રુટ
Ahmedabad News : વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં રોડ શૉ કરવાના છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદના એરપોર્ટથી ઈન્દીરા બ્રિજ સર્કલ સુધી વડાપ્રધાનના 'રોડ શૉ'ના કાર્યક્રમ લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન કરતાં લોકો અને એરપોર્ટ તરફ ગમન કરતાં મુસાફરો પ્રભાવિત થાય તેમ છે, ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને લોકોને પરિવહન કરવામાં મુશ્કેલી ન પડે તેને લઈને શહેર ટ્રાફિક પોલીસે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ અને વૈકલ્પિક માર્ગ અંગે જાણકારી આપી છે.
અમદાવાદમાં આજે વડાપ્રધાનનો 'રોડ શૉ'
અમદાવાદના એરપોર્ટથી ઈન્દીરા બ્રિજ સર્કલ સુધી આજ રોજ સાંજે 4 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા દરમિયાન વડાપ્રધાનના રોડ શૉ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ટ્રાફિક વ્યવસ્થા અંગે શહેર ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને જાહેર જનતાને લઈને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન રૂટની માહિતી આપવામાં આવી છે.
પ્રતિબંધિત માર્ગ
- અમદાવાદ એરપોર્ટથી એરપોર્ટ સર્કલ થઈ ઈન્દીરાબ્રિજ સર્કલ થઈ મધર ડેરી થઈને એપોલો સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
- ડફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ થઈને ઈન્દીરાબ્રિજ સર્કલ થઈને ભદ્રેશ્વર વાય જંકશન સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક રૂટ
- ઈન્દીરા બ્રિજથી ગાંધીનગર તરફ જતો ટ્રાફિક નોબલનગર ટીથી રૂબ ટી, નાના ચિલોડા ચાર રસ્તા, એપોલો સર્કલ સુધીના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકશે.
- ઈન્દીરા બ્રિજથી ડફનાળા જતા લોકો પરિવહન માટે નોબલનગર ટીથી રાજાવિર સર્કલ, નરોડા પાટીયા, મેમકો ચાર રસ્તા, રામેશ્વર ચાર રસ્તાનો ઉપયોગ કરી શકશે.
- એપોલો સર્કલથી ઈન્દીરા બ્રિજ થઈને નરોડા તરફ જતા લોકો એપોલો વૈકલ્પિક રૂટ તરીકે એપોલો સર્કલથી કરાઈ ચાર રસ્તા, નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી નરોડા જઈ શકશે.
- એપોલો સર્કલથી શાહીબાગ જનારા માટે એપોલો સર્કલથી તપોવન સર્કલ, વિસત સર્કલ, પ્રબોધરાવળ સર્કલ, સુભાષબ્રિજ સર્કલથી શાહીબાગ પહોંચી શકાશે.
- ડફનાળાથી ઈન્દીરા બ્રિજ સર્કલથી ગાંધીનગર જતાં લોકો વૈકલ્પિક રૂટ તરીકે ડફનાળા ચાર રસ્તાથી સુભાષબ્રિજ સર્કલ, પ્રબોધરાવલ સર્કલ, ચિમનભાઈ પટેલ બ્રિજ, વિસત સર્કલ, તપોવન સર્કલથી ગાંધીનગર પહોંચી શકશે. જ્યારે ડફનાળાથી ઈન્દીરા બ્રિજ સર્કલથી ગાંધીનગર જવાના અન્ય વૈકાલ્પિક રૂટમાં ડફનાળા ચાર રસ્તાથી ઘેવર સર્કલ, એફ.એસ.એલ. ચાર રસ્તા, રામેશ્વર ચાર રસ્તા, મેમકો ચાર રસ્તા, નરોડા પાટિયા, ગેલેક્ષી ચાર રસ્તા સુતરના કારખાના ચાર રસ્તાથી સીધા નાના ચિલોડા સર્કલ તરફના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચો: વડાપ્રધાનના કચ્છના કાર્યક્રમ માટે જામનગર વિભાગની 130 એસ.ટી.બસ મોકલાશે
અમદાવાદ ટ્રાફિક પોલીસના જાહેરનામા મુજબ, રોજના અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન કરનારા નાગરિકોને બપોર પછી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા, જેની ફ્લાઈટ સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન છે તેને ઘરેથી બે કલાક અગાઉ નીકળવા આયોજન કરવા, હાંસોલ, કોટરપુર, નોબેલનગર, મેઘાણીનગર, સરદાર નગરના સ્થાનિકોને આ સમયગાળા દરમિયાન બિનજરૂરી રીતે વાહનો લઈને ઘરેથી ન નીકળવા સહિતની બાબતે સચેત રહેવા સૂચન કર્યું છે.