વડાપ્રધાનના કચ્છના કાર્યક્રમ માટે જામનગર વિભાગની 130 એસ.ટી.બસ મોકલાશે
PM Modi visits Gujarat : આગામી 26 મીએ વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવનાર છે જેમાં સૌરાષ્ટ્રભરમાંથી જન મેદની એકઠી કરવા માટે જામનગર વિભાગની 130 સહિત રાજયની 1300 એસ.ટી. બસો રોકવામાં આવી છે. જેના પગલે અનેક રૂટો રદ કરાશે જેથી વેકેશનના સમયમાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.
ઉલ્લેખનિય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિમાં સરહદી જિલ્લા કચ્છમાં પાકિસ્તાને અનેક સ્થળે ડ્રોન હુમલા કર્યા હતા, અને તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ મુલાકાત લીધી હતી. અને હવે 26 મીએ વડાપ્રધાન પણ કચ્છની મુલાકાતે આવવાના હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જનમેની એકઠી કરવા માટે 1300 જેટલી બસો રોકવામાં આવી છે.
જેમાં જામનગર વિભાગના પાંચ ડેપોની 130 જેટલી બસો ફાળવવામાં આવી છે જેમાંથી સૌથી વધુ જામનગર ડેપોની 44, ખંભાળિયાની 26, જામજોધપુરની 25, ધ્રોલની 21 અને દ્વારકા ડેપોની 14 બસો ફાળવવામાં આવી છે.