PM મોદીએ ધોલેરા SIRનું હવાઈ નિરીક્ષણ કર્યું, લોથલ પ્રોજેક્ટના કામોની પણ સમીક્ષા કરી
Narendra Modi Dholera Visit: ભાવનગરમાં રોડ શો અને રેલીને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થયા હતા, આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધોલેરામાં ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક કેન્દ્ર, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (DSIR)નું શનિવારે હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ અંગે વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા PM મોદીના હવાઈ સર્વેક્ષણના વિડિયો ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પ્રાચીન વિરાસતનું ભવિષ્ય સાથે જોડાણ: જુઓ લોથલનું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ કેવું દેખાય છે?
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અમદાવાદથી લગભગ 100 કિલોમીટર દક્ષિણમાં અને રાજ્યની રાજધાની ગાંધીનગરથી 134 કિલોમીટર દૂર સ્થિત છે. ઔદ્યોગિકીકરણ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણના આધારે વિકસાવવામાં આવી રહેલા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર તરીકે જોવામાં આવે છે. DSIR એ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન (NICDC) દ્વારા પશ્ચિમી સમર્પિત માલવાહક કોરિડોરના પ્રભાવ ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્લસ્ટર્સ અને કેન્દ્રોનો રેખીય વિસ્તાર બનાવવાના મહત્વાકાંક્ષી પગલાનો એક ભાગ છે.
લોથલમાં પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે બેઠક
લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી. વડાપ્રધાને સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવી હતી. ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.
આ પ્રોજેક્ટ શા માટે અને લોથલમાં જ કેમ?
આ પ્રોજેક્ટને લોથલમાં બનાવવાનું મુખ્ય કારણ તેનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મુખ્ય વેપાર કેન્દ્ર હતું, લોથલ માત્ર એક પ્રાચીન શહેર નહોતું, પરંતુ તે વિશ્વના સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડ (બંદર) માટે પણ જાણીતું છે. પાંચ હજાર વર્ષ પહેલાં અહીં દરિયાઈ વેપાર થતો હતો અને જહાજોનું સમારકામ પણ થતું હતું. આ સ્થળ ભારતની દરિયાઈ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે.
આ કૉમ્પ્લેક્સનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસને સાચવવાનો, તેનું સંશોધન કરવાનો અને તેને ભાવિ પેઢીઓ માટે જીવંત રાખવાનો છે. આ મ્યુઝિયમ સામાન્ય લોકોને ભારતનો ઇતિહાસ સરળતાથી સમજાવશે, જેના માટે અત્યંત આધુનિક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પહેલ મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમને પ્રોત્સાહન આપશે અને ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર બનાવશે.