ને.હા.નં.- 8 ઉપર વાસદ ટોલનાકા પાસે
ડ્રાઈવર, ક્લીનરની અટકાયત કરી ૧૧.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત : ક્વાંટથી દારૂ બગોદરા તરફ જતો હતો
બોલેરો પીકપ ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો વાસદ થઈ બગોદરા તરફ જવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી.
વાસદ પોલીસની ટીમ નેશનલ હાઇવે નં.-૮ ઉપર વાસદ ટોલનાકા નજીક હનુમાનજી મંદિર પાસે વોચમાં હતી. દરમિયાન બોલેરો પીકઅપ ગાડીને અટકાવી ચાલક અને ક્લિનરના નામ ઠામ અંગે પૂછતા તે કમલેશ નાગજીભાઈ મારું અને જતીન ઉર્ફે બાલો સુરેશભાઈ વઢેર બંને રહે. અમરેલીવાળા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બોલેરો ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગે ડાંગરના પૂળા હટાવીને જોતા નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.
પોલીસે ૩,૫૧,૬૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તથા ગાડી મળી કુલ રૂપિયા ૧૧,૬૧,૬૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ક્વાંટ નજીકથી ભરી બગોદરા તરફ લઈ જતા હોવાની કબૂલાત કરી હતી.


