Gujarat

ડાંગરના પૂળાની આડમાં 3.52 લાખનો દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપાઈ

By GS Team
16 Oct 20251 min read
This article was originally published on 16 Oct 2025
ડાંગરના પૂળાની આડમાં 3.52 લાખનો દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપાઈ

ને.હા.નં.- 8 ઉપર વાસદ ટોલનાકા પાસે

ડ્રાઈવર, ક્લીનરની અટકાયત કરી ૧૧.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત : ક્વાંટથી દારૂ બગોદરા તરફ જતો હતો

આણંદ: નેશનલ હાઈવે નં.-૮ ઉપર વાસદ ગામના ટોલનાકા પાસે બોલેરો પીકઅપ ગાડીમાં ડાંગરના પૂળાની આડમાં લઈ જવાતો રૂા. ૩.૫૨ લાખના દારૂના જથ્થા સાથે ડ્રાઈવર અને ક્લીનરને વાસદ પોલીસે ઝડપી પાડયા હતા. દારૂ સહિત રૂા. ૧૧.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

બોલેરો પીકપ ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો વાસદ થઈ બગોદરા તરફ જવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી.

 વાસદ પોલીસની ટીમ નેશનલ હાઇવે નં.-૮ ઉપર વાસદ ટોલનાકા નજીક હનુમાનજી મંદિર પાસે વોચમાં હતી. દરમિયાન બોલેરો પીકઅપ ગાડીને અટકાવી ચાલક અને ક્લિનરના નામ ઠામ અંગે પૂછતા તે કમલેશ નાગજીભાઈ મારું અને જતીન ઉર્ફે બાલો સુરેશભાઈ વઢેર બંને રહે. અમરેલીવાળા હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે બોલેરો ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગે ડાંગરના પૂળા હટાવીને જોતા નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. 

પોલીસે ૩,૫૧,૬૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તથા ગાડી મળી કુલ રૂપિયા ૧૧,૬૧,૬૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ક્વાંટ નજીકથી ભરી બગોદરા તરફ લઈ જતા હોવાની કબૂલાત કરી હતી.