વર્ષોથી ગ્રેડ પે થી વંચિત શિક્ષણ સમિતિના 4000 શિક્ષકોના ધરણા
4200 નો ગ્રેડ પે વર્ષોથી નહીં મળવાથી શિક્ષકોને દર મહિને રૃા.8 હજારનું નુકસાન થતા મહામારી વચ્ચે ધરણા કરવા પડયા
સુરત , તા. 18 જુલાઇ, 2020, શનિવાર
સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા શિક્ષકોને વર્ષોથી ઉચ્ચતર પગારધોરણનો લાભ નહીં મળતા કોરોના જેવી મહામારીમાં પણ સમિતિના 4000 શિક્ષકોએ સ્કુલોમાં પ્રતિક ઉપવાસ કરી હાથમાં પ્લેકાર્ડ લઇને વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત રાજયમાં જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાના શિક્ષકોને તેમજ રાજકોટ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા શિક્ષકોને રાજય સરકાર દ્વારા નવ વર્ષે રૃા.4200 ગ્રેડ પે મુજબ ઉચ્ચતર પગાર ધોરણ આપવાનું ઠરાવ્યુ છે. જયારે સુરત મહાનગર પાલિકામાં પણ અગાઉ 4200 ગ્રેડ પે મુજબ પગાર ધોરણ આપવામાં આવતુ હતુ. પરંતુ સુરત મહાનગર પાલિકા હસ્તકની શાળામાં ફરજ બજાવતા 4,000 શિક્ષકો વર્ષોથી ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત છે. આ પગાર ધોરણ નહીં મળતા શિક્ષકોને દર મહિને 8000 રૃપિયાનું નુકસાન થઇ રહ્યુ છે.
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પણ ૪૨૦૦ ગ્રેડ પે મુજબ ઉચ્ચતર પગાર ધોરણ મળવુ જોઇએ. તેવી માંગ સાથે આજે 320 જેટલી શાળાના 4,000 શિક્ષકોએ શાળા કક્ષાએ સવારે 9થી 11 દરમ્યાન સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને હાથમાં શિક્ષકો નો શું વોક ? શિક્ષકો સાાથે અન્યાય કેમ ? અમારો હક અમોને આપો,જેવા પ્લે કાર્ડ લઇને પ્રતિક ઉપવાસ કરી સરકાર અને શિક્ષણ વિભાગ સુધી પોતાની માંગણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષકો જણાવે છે કે ભાવનગર મહાનગર પાલિકાના કેટલાક શિક્ષકોએ કોર્ટ મેટર દ્વારા આ લાભ મેળવેલ છે. તો શું વંચિત શિક્ષકોએ કોર્ટની શરણે જવુ પડશે ? આથી અમારે કોર્ટના દ્વારા ખખડાવવા નહીં પડે અને અમોને ટૂંક સમયમાં જ ન્યાય મળે તેવી માંગ કરી હતી.