PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખૂલી, ગ્રાહકોને ચાર-ચાર મહિનેય વીજ બિલ નથી મળતા

Rajkot: પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્માર્ટ મીટર લગાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ગંભીર ખામી સામે આવી છે. આ પ્રોજેક્ટનું કામ સંભાળતી રાજસ્થાનની ખાનગી એજન્સીની નબળી કામગીરીને કારણે વીજ મીટરના રીડિંગ સમયસર મળતા નથી, જેને લીધે ગ્રાહકોને 3 થી 4 મહિના સુધી વીજળીના બિલ મળતા નથી. આ પરિસ્થિતિએ ગ્રાહકો અને PGVCLના એન્જિનિયરો બંને માટે મુશ્કેલી ઊભી કરી છે.
આ પણ વાંચો: જાફરાબાદના તોફાની દરિયામાં 11 માછીમારો 4 દિવસથી લાપતા, અન્ય બે બોટના 9 ખલાસીનું રેસ્ક્યૂ
એજન્સીની નિષ્ફળતા અને એન્જિનિયરો પર વધેલું ભારણ
આશરે રૂ. 10,000 કરોડના આ પ્રોજેક્ટમાં સ્માર્ટ મીટર લગાવવાનું અને તેના ડેટા પહોંચાડવાનું કામ રાજસ્થાનની 'પરવા' નામની ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું હતું. જોકે, આ એજન્સી મીટર લગાવવામાં નિષ્ફળ સાબિત થતાં, આ કામગીરીનો મોટો ભાગ હવે PGVCLના સબ-ડિવિઝન એન્જિનિયરોને સોંપવામાં આવ્યો છે, જે તેમના માટે માથાનો દુઃખાવો બની ગયો છે.
એટલું જ નહીં, જે મીટર લગાવવામાં આવ્યા છે તેમાંથી 15 થી 20% મીટરમાં કોમ્યુનિકેશન માટેની ચિપ ક્ષતિગ્રસ્ત હોવાનું જણાયું છે. આ ખામીને લીધે મીટરના રીડિંગ ઓટોમેટિક ઓનલાઈન ટ્રાન્સફર થતા નથી. એજન્સીએ આ ડેટા મેન્યુઅલી પહોંચાડવાના હોય છે, પરંતુ તે કામગીરીમાં પણ નિષ્ફળ રહી છે. પરિણામે, બિલિંગ સાયકલ ખોરવાઈ ગઈ છે અને PGVCLની આવક પર પણ નકારાત્મક અસર પડી છે.
ગ્રાહકો અને PGVCL બંને પર અસર
સમયસર બિલ ન મળવાને કારણે ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે લાંબા સમય બાદ એકસાથે મોટું બિલ આવે છે, ત્યારે ગ્રાહકો માટે તેનું ચુકવણું કરવું મુશ્કેલ બની જાય છે. બીજી બાજુ, PGVCLને પણ બિલિંગ વ્યવસ્થા ખોરવાઈ જવાથી આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
આ પણ વાંચો: 'આવી રીતે જીવવું એના કરતો તો...' ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત
એન્જિનિયરોનું કહેવું છે કે, આ ખાનગી એજન્સીની નબળી કામગીરી સામે અવાજ ઉઠાવવા છતાં તેમની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. આ ક્ષતિઓ દૂર કરવા અને બિલિંગ પ્રક્રિયાને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, જેથી ગ્રાહકોની મુશ્કેલી અને PGVCLનું નુકસાન બંને ઘટાડી શકાય.

