'આવી રીતે જીવવું એના કરતો તો...' ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત
Bharuch Crime: ભરૂચના વાગરા તાલુકાના સંભેટી ગામની પરિણીતા ઉમલા પઢિયાર સાસરિયાના અમાનુષી ત્રાસથી ઘરમાં જ જ્વલનશીલ પદાર્થ પોતાના પર છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં તેને તાત્કાલિક ધોરણે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાલ, આ મામલે પોલીસે સાસુ, નણંદ અને પતિ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી છે.
મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ
ભરૂના દહેજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા હરિભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો છે કે, 'મારી દીકરી પર તેનો પતિ, સાસુ કમળા પઢિયાર અને નણંદ ગીતા પઢિયાર ગંભીર પ્રકારનો ત્રાસ ગુજારતા હતા. જ્યારે મારી દીકરી મારા ઘરે આવી હતી, ત્યારે પણ તે કહેતી હતી કે, તેનો પતિ ભરત તેને ઘરમાં પૂરીને ખૂબ માર મારે છે અને સાસુ તેમજ નણંદ ગીતા પઠિયાર પણ સતત ટોર્ચર કર્યા કરે છે. તેની નણંદ જ્યારે તેના ઘરે જાય ત્યારે મૃતક પરીણિતા સાથે ઝઘડો કરતી અને ત્રણેય ભેગા થઈને તેને માર મારતા હતા.'
આ પણ વાંચોઃ સેવન્થ ડે હત્યા કેસમાં સ્કૂલને પણ આરોપી બનાવાશે, કોર્ટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ
'આવી રીતે જીવવું એના કરતા તો મરી જવું...'
ફરિયાદીએ જણાવ્યું કે, 'મારી દીકરીએ મને ફોન કર્યો હતો અને તે રડતી-રડતી કહેતી હતી કે, આવી રીતે જીવવું એના કરતા તો મરી જવું સારૂ. ત્યારે મેં તેને આશ્વાસન આપ્યું હતું કે, બધું સારૂ થઈ જશે. પરંતુ, તેનો પતિ, સાસુ અને નણંદ સુધરવાનું નામ નહતા લેતા. આખરે ત્રણેયના માનસિક ત્રાસથી તેણે પોતાના શરીર પર જ્વલશીલ પદાર્થ છાંટી શરીરને આગ લગાવી જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.'
પોલીસે પતિ, સાસુ અને નણંદની કરી ધરપકડ
આ મામલે પોલીસે ફરિયાદના આધારે મૃતકના પતિ ભરત પઢિયાર, સાસુ કમળા પઢિયાર, નણંદ ગીતા પઢિયાર સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ અનિરુદ્ધ સિંહ જાડેજાની માફી રદ; હાઈકોર્ટનો આત્મસમર્પણનો આદેશ: અમિત ખૂંટ કેસમાં પણ ઝટકો
નોંધનીય છે કે, મૃતકના પતિએ અગાઉ પણ એક મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેણે પણ માનસિક ત્રાસથી કંટાળી છૂટાછેડા લીધા હતા. તે મહિલાના પરિવારોનું પણ નિવેદન લઈ મૃતકનો પતિ ગંભીર પ્રકારનો ત્રાસ આપતો હોવાનું સામે આવ્યું છે.