જામનગર: તંત્રની નિષ્ફળતાથી કંટાળી લોકોએ જાતે જ લાખાબાવડ-દરેડ રોડનું સમારકામ કર્યું
Jamnagar News : જામનગર નજીક લાખાબાવડ અને દરેડ ગામને જોડતા મુખ્ય માર્ગની બિસ્માર હાલતથી કંટાળેલા સ્થાનિક નાગરિકોએ તંત્રની લાપરવાહી સામે અનોખો વિરોધ દર્શાવ્યો છે. અનેક રજૂઆતો છતાં માર્ગનું સમારકામ ન થતાં, લોકોએ સ્વયંભૂ ફાળો એકત્ર કરીને જાતે જ રોડ રીપેર કરવાનું બીડું ઝડપ્યું છે.
તંત્રની ઉપેક્ષા, પ્રજાનું શ્રમદાન
લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ એક કિલોમીટરના માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. દૈનિક હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. આખરે, સ્થાનિક લોકોએ કંટાળીને જાતે જ પહેલ કરી હતી.
એક કિલોમીટરના માર્ગ માટે રૂ. 25,000 નો ખર્ચ
આ માર્ગને વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે આશરે 15 જેટલા નાગરિકોએ સાથે મળીને ફાળો એકત્ર કર્યો હતો. લગભગ રૂ. 25,000 નો ખર્ચ કરીને તેમણે પાંચ કલાક સુધી સતત શ્રમદાન કર્યું. ખાડાઓમાં માટી ભરીને અને તેને સમથળ કરીને તેમણે રસ્તાને તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવો બનાવ્યો છે.
આ પણ વાંચો: જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ગીતા લોજ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી
સરકાર પાસે કાયમી ઉકેલની માંગ
સ્થાનિક નાગરિકોએ કરેલા આ શ્રમદાનથી હાલ પૂરતી રાહત થઈ છે, પરંતુ આ એક કાયમી ઉકેલ નથી. લોકોની મુખ્ય માગ એ છે કે, સરકાર વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરે જેથી આ વિસ્તારના રહેવાસીઓની હાલાકી કાયમી ધોરણે દૂર થાય. આ ઘટનાએ સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે, અને તે દર્શાવે છે કે જ્યારે તંત્ર નિષ્ફળ જાય છે, ત્યારે પ્રજા પોતે જ પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આગળ આવે છે.