દંતેશ્વર વિસ્તારમાં લોકોના દેખાવો, લાખો રુપિયા વેરો ચૂકવવા છતા સુવિધા મળતી નથી

વડોદરાઃ શહેરના દંતેશ્વર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેના ખુલ્લા રુપારેલ કાંસમાં ઠલવાતા ગટરના પાણીના કારણે દુર્ગંધ અને મચ્છરોની સમસ્યાથી પરેશાન લોકોએ આજે કોર્પોરેશનની સામે ઉગ્ર દેખાવો કર્યા હતા.
વરસાદી કાંસને અડીને આવેલા દર્શનમ એન્ટિકામાં રહેતા ૮૦૦ પરિવારોના સભ્યોએ આજે કોર્પોરેશનની હાય હાય બોલાવી હતી અને પોસ્ટરો દર્શાવીને વિરોધ કર્યો હતો.અહીંના લોકોએ કહ્યું હતું કે, વરસાદી કાંસમાં ગટરના પાણી ઠલવાતા હોવાથી અને આ કાંસ ખુલ્લો હોવાથી અમારુ જીવવાનું હરામ થઈ ગયું છે.મચ્છરોના ત્રાસથી સાંજે બારી બારણા પણ ખોલી શકાતા નથી.ગટરના પાણીની અસહ્ય દુર્ગંધથી માથુ ફાટી જાય છે.ચોમાસામાં કાંસના અમારી સોસાયટીમાં ઘૂસી જાય છે.કાંસની આસપાસ ઉકરડા જેવી સ્થિતિ છે.
લોકોએ કહ્યું હતું કે, અમે ૧૨ વર્ષથી અહીંયા રહીએ છે અને લાખો રુપિયા વેરો ચૂકવયો છે પરંતુ તેની સામે અમને કોર્પોરેશન સુવિધા આપી રહ્યું નથી અને સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી.પીએમઓ સુધી અમે ફરિયાદ કરી છે પરંતુ અમારી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.આ કાંસને બંધ નહીં કરવા માટે કોર્પોરેશન પર કોઈનું દબાણ છે તેવો પણ સવાલ ઉભો થાય છે.હવે અમારી ધીરજનો અંત આવ્યો છે.જો કોર્પોરેશન કાર્યવાહી નહીં કરે તો અહીંંના લોકો કોર્પોરેશનમાં મોરચો લઈ જઈને ઘરોની ચાવીઓ સુપરત કરી દેશે અને કોર્પોરેશનમાં જ અડિંગો જમાવી દેશે.

