મેક્સન સર્કલથી ધોળીધજા ડેમને જોડતા બિસ્માર રસ્તાથી લોકો પરેશાન

સામાન્ય વરસાદમાં નર્કાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાયા છે
બે વર્ષથી વધુ સમયથી રસ્તો જર્જરિત છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં ન આવતા લોકોમાં કચવાટ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મેક્સન સર્કલથી ધોળીધજા ડેમને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર બનતા વાહનચાલકો તોબા પોકારી ગયાં છે. ધોળીધજા ડેમને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી બિસ્માર હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કે નવીનીકરણ કરવામાં ન આવતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર તેમજ વઢવાણ બંને જોડીયા શહેરને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ તરફ જવાનો મુખ્ય રસ્તો બિસ્માર અને જર્જરિત બનતા વાહનચાલકો અને આ વિસ્તારમાં રહેતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં અનેક ઉધોગો તેમજ સીમ જમીન હોવાથી ખેડૂતોની પણ અવરજવર રહે છે. છેલ્લા બે વર્ષથી મગરની પીઠ સમાન બનેલા આ રસ્તાના કારણે વાહનચાલકો તોબા પોકારી ગયા છે. જેમાં ખાસ કરીને ચોમાસામાં તો નર્કાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. ચોમાસામાં અહીથી વાહન લઇ નિકળવું પણ લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. તેમજ રસ્તાની બંને તરફ બાવળીયાનુ સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો પણ ભય રહે છે. આ બિસ્માર રસ્તાનું સમારકામ કરાવવા અંગે તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કે નવીનીકરણ ન કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

