VIDEO: ઘરમાં પણ પાણી, આંખોમાં પણ પાણી: અમરેલીના લાઠીમાં વરસાદનો કહેર અને તંત્રની બેદરકારીથી લોકો હેરાન
Amreli News : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના લાઠી અને ગ્રામ્ય પંથક, કુંકાવાવ, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના લાઠી રોડ ઉપર આવેલી વિદ્યાનગર સોસાયટી સહિતના કેટલાક વિસ્તારમાં એક જ રાતમાં પડેલા ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
લાઠીમાં ધોધમાર વરસાદનો હાહાકાર
અમરેલીના લાઠી રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ધોધમાર વરસાદને પગલે લાઠી રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં હાલાકીના દ્રશ્યો એટલા હૃદયદ્રાવક હતા કે, પોતાની વ્યથા વર્ણવતા લોકોની આંખોમાં પાણી આવી ગયા હતા. અડધી રાત્રે લોકો પોતાના ઘરમાંથી પાણી ઉલેચવા મજબૂર બન્યા હતા. ઘરવખરી, અનાજ-કરિયાણું અને અન્ય કિંમતી સામાન પલળી જતાં મોટાપાયે નુકસાન થયું હતું. બાળકો સહિત ઘરના સભ્યોને ભૂખ્યા પેટે રાત વિતાવવાનો વારો આવ્યો હતો.
જીવન જરૂરિયાતની વસ્તુઓ થઈ બરબાદ
વરસાદી પાણી એટલા વેગથી ઘરોમાં ઘૂસ્યા હતા કે, લોકો પોતાનો સામાન બચાવી શક્યા નહોતા. હૃદયના દર્દીની દવાઓ, રોજિંદા ઉપયોગનું અનાજ-કરિયાણું અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પાણીમાં વહી ગઈ હતી. ઘરની બહાર પાર્ક કરેલા વાહનો, ઘરમાં રહેલા ફ્રિજ સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો પણ પાણીમાં ખોટકાઈ જતાં લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ખાબક્યો ભારે વરસાદ, વાવાઝોડા જેવો પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી
તંત્રની બેદરકારીનો ભોગ બન્યા લોકો
સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ સમસ્યા કોઈ નવી નથી. નગરપાલિકા અને રેલવે વિભાગને અનેક વખત પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રશાસનની આ બેદરકારીના પાપે દર ચોમાસામાં અનેક પરિવારો હેરાન થાય છે.
લાઠી રોડ ઉપર આવેલી વિદ્યાનગર સોસાયટીના સ્થાનિક રહેવાસી સુમિતા પનારા અને નિમિષભાઈએ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું કે, "અમે કેટલીય વાર તંત્રને રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતું નથી. અડધી રાત્રે બાળકો સાથે પાણીમાં રહેવાની ફરજ પડી હતી. બધું જ બરબાદ થઈ ગયું છે." લાઠીના લોકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા વિનાશક પૂરથી બચી શકાય.