અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ખાબક્યો ભારે વરસાદ, વાવાઝોડા જેવો પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી
Amreli News : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 27 મે સુધી રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે શુક્રવાર(23 મે, 2025)ના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના લાઠી અને ગ્રામ્ય પંથક, કુંકાવાવ, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદને પગલે વૃક્ષો પડી જવા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હોવાના દૃશ્યો જોવા મળ્યા છે.
અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગે આગામી 27 મે સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શુક્રવારે (23 મે) અમરેલીના અનેક વિસ્તારોમાં વાવાઝોડું જેવી સ્થિતિની સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી તાલુકાના વડેરા, નાના ભંડારીયા, સરંભડા, ગાવડકા સહિતના ગામોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. જ્યારે લાઠી અને ગ્રામ્ય પંથકમાં પવન સાથે ઘોઘમાર વરસાદ ખાબકયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બીજા દિવસે વડીયામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો છે.
અમરેલી-કુંકાવાવ સ્ટેટ હાઇવે પવન-વરસાદથી પ્રભાવિત
અમરેલીથી કુંકાવાવ જતો સ્ટેટ હાઇવે ભારે વરસાદથી પ્રભાવિત થયો. નાના ભંડારીયા નજીક વૃક્ષો ધરાશય થવાના કારણે માર્ગ બંધ થતાં ફાયર ટીમ દોડી આવી પહોંચી હતી અને વૃક્ષો હટાવવાની કામગીરી શરુ કરી હતી. નાના ભંડારીયા અને વડેરા વિસ્તારમાં સૌથી વધુ મૂશળધાર વરસાદની બેટિંગ બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ વર્તાઈ હતી.
આ પણ વાંચો: અરબ સાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે! ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ખેતરોમાં પાણી ફરી વળ્યા
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસ પણ ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડ્યો છે. જેમાં બગસરામાં ખેડૂતોના ખેતરોમાં નદીની માફક વરસાદી પાણી વહેતા થયા હોવાના દૃશ્યો જોવા મળ્યા છે. ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જ્યારે અમરેલી શહેરના જેશીંગપરામાં પણ ઠેર-ઠેર વરસાદી પાણી જોવા મળ્યું.
અનેક વૃક્ષો થયા ધરાશાયી
અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઈને જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, ત્યારે બગસરા હાઇવે પર ગાવડકા ચોકડી નજીક એક વૃક્ષ ધરાશાયી થયું હોવાથી સ્ટેટ હાઇવે પર વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. લાઠી પંથકમાં ઘોઘમાર વરસાદ અને મીની વાવાઝોડું ફૂંકાયું છે, ત્યારે લાઠી ચાંવડ હાઇવે પર અનેક વૃક્ષો ઘરાશાયી થયા છે. લાઠી ચાંવડ હાઇવે પર આવેલી ઓઇલ મીલના પતરા ઉડ્યા હતા. વડીયામાં પણ વૃક્ષો પડી ગયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે.
50 કરતાં વધુ વીજપોલ ધરાશાયી
અમરેલી જિલ્લામાં વરસાદના કારણે પીજીવીસીએલ વિભાગમાં સૌથી વધુ નુકસાન લાઠી, ચલાલા, વડિયા, કુંકાવાવ વિસ્તાર પ્રભાવિત થયો હોવાનું સામે આવ્યું છે. અમરેલી તાલુકામાં સૌથી વધુ વીજપોલ ધરાશાય થયા છે. જેમાં કુલ 50 કરતાં વધુ વીજપોલ ધરાશાયી થતાં 39 ગામડા વીજળી વિહોણા થયા હોવાનું સામે છે. મોડી રાત સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં વીજળી કાર્યરત કરવા માટે પ્રયાસ શરૂ છે.