લોકોને બસ મળતી નથી, કોઈ ચિંતા નહીં , સાત મહીનામાં AMTS ની પાંચ હજારથી વધુ બસ સરકારી કાર્યક્રમ માટે ફળવાઈ
છ હજાર કરોડથી વધુ કોર્પોરેશનની લોનનું દેવું, સોમવારે નિકોલના કાર્યક્રમ સમયે પણ લોકોને બસ નહીં મળી શકે
અમદાવાદ,ગુરુવાર,21
ઓગસ્ટ,2025
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના માથે મ્યુનિસિપલ
કોર્પોરેશનનું રુપિયા છ હજાર કરોડથી વધુની રકમનું લોનનું દેવું છે.શહેરીજનોને
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ સમયસર મળતી નથી. આ બાબતની સત્તાધીશો કે
અધિકારીઓને કોઈ ચિંતા નથી.જયારે મે-૨૪થી ૩૧ જાન્યુ-૨૫ સુધીના સાત મહીનામાં ટ્રાન્સપોર્ટ
સર્વિસની કુલ ૫૭૦૯ બસ વિવિધ સરકારી કાર્યક્રમો માટે ફળવાઈ હતી.સોમવારે નિકોલ ખાતે
વડાપ્રધાનનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ માટે કોર્પોરેટરોને વોર્ડ દીઠ ત્રણ
એ.એમ.ટી.એસ.ની બસ ભરવા તથા અમુક ચેરમેનોને પંદર બસ ભરવા પક્ષ તરફથી સુચના અપાઈ છે.
આ કારણથી સોમવારે પણ અંદાજે ત્રણ લાખ પેસેન્જરોને ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ મળવી
મુશ્કેલ બનશે.
છેલ્લા અઢી દાયકાથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને
ચલાવવી પડે એટલે ચલાવાઈ રહી છે.ટ્રાન્સપોર્ટ સર્વિસની માલિકીની કહી શકાય એવી ડબલ
ડેકર બસ સિવાય અન્ય કોઈ બસ નથી.અન્ય બસો ખાનગી ઓપરેટરો દ્વારા વિવિધ રુટ ઉપર કુલ મળીને ૮૮૦ બસદોડાવાઈ રહી હોવાનું થોડા દિવસ
અગાઉ ચેરમેને મિડીયા સાથેની વાતચીતમાં કહયુ હતુ.ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની
બેઠકમાં વર્ષ-૨૦૨૪-૨૫માં ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વિવિધ કાર્યક્રમો માટે પુરી
પાડવામા આવેલી સ્પેશિયલ વર્ધી માટેની બસ માટે કોર્પોરેશન તરફથી ટ્રાન્સપોર્ટ
સર્વિસને આપવાની થતી રુપિયા ૬.૬૧ કરોડની રકમ ટ્રાન્સપોર્ટ સર્વિસને આપેલી લોન પેટે
જમા કરવાની દરખાસ્ત મંજૂર કરી હતી. રોજ રુપિયા એક કરોડથી વધુની આર્થિક ખોટ કરતી
ટ્રાન્સપોર્ટ સર્વિસને પ્રજાલક્ષી બનાવવા અંગે અધિકારીઓ કે સત્તાધીશોમાં કોઈ
ઉત્સાહ જોવા મળતો નથી.
કયા કાર્યક્રમ માટે વધુ બસની ફાળવણી કરાઈ
-ગાંધી
આશ્રમની મુલાકાત- ૫૦૦
-પોલીયો
રસીકરણ ઝૂંબેશ-૩૫૨
-વડાપ્રધાનનો
કાર્યક્રમ-૪૨૨
-વડાપ્રધાનનો
કાર્યક્રમ-૩૩૬
-ગાંધીઆશ્રમ
મુલાકાત-૩૧૮
-ગૃહમંત્રીનો
કાર્યક્રમ-૮૧
-ગૃહમંત્રીનો
કાર્યક્રમ-૭૮
-ગાંધીઆશ્રમ
મુલાકાત-૧૪૧
-ગૃહમંત્રીનો
કાર્યક્રમ-૧૧૦
-તિરંગાયાત્રા-૭૯૪
-ગરીબ
કલ્યાણ મેળો-૨૯
-રેનબસેરા-૮૩
-રેનબસેરા-૧૦૨
-વિશ્વ
યોગદિવસ-૧૫૨
-ગૃહમંત્રીનો
કાર્યક્રમ-૭૮
નિકોલ ખાતે એકલાખની મેદની એકઠી કરવાની છે
સોમવારે નિકોલ ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ
માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને કામે લગાડાયુ છે.વડાપ્રધાનના રુટ ઉપર અને આસપાસના
રસ્તાઓ રીસરફેસ કરાઈ રહયા છે. આ ઉપરાંત લાઈટીંગ કરાશે. વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૨
સર્કલ ઉપર લોકલ ફોર વોકલ,
સ્વદેશી અપનાવો તથા સ્વચ્છ અમદાવાદ થીમ હેઠળના બેનરો પ્રદર્શિત કરાશે. એરપોર્ટથી
ઈન્દિરાબ્રિજ સુધી ૧૨ સ્ટેજ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરાશે.