Updated: Mar 17th, 2023
કલોલ, 17 માર્ચ 2023 શુક્રવાર
કલોલ રેલવે સ્ટેશન પરના રેલવે ફૂટ ઓવરબ્રિજ પર ગંદકી અને અસામાજિક તત્વોની હેરાનગતિ કારણે રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કલોલ શહેરના પૂર્વ ભાગથી પશ્ચિમ વિસ્તાર તરફ જવા માટે રેલવેના પાટા ઓળંગવા ન પડે તે માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.જોકે અહીં સફાઈના અભાવે ગંદકી ફેલાઈ ગઈ છે વધારામાં અહીંથી અવરજવર કરતા લોકો ગુટખા ખાઈ પિચકારી મારતા હોઈ નવા બનાવેલ ફૂટ ઓવરબ્રિજની શોભા બગડી ગઈ છે.
લોકોને રેલવે પોલીસ દ્વારા દંડ કરવામાં આવે છે
આ ફૂટ ઓવરબ્રિજ પર રાત્રી દરમિયાન લુખ્ખા તત્વો અડ્ડો જમાવી બેસી રહે છે. અસામાજિક તત્વોના ત્રાસને કારણે રાત્રી દરમિયાન બ્રિજ પરથી પસાર થવું પણ અઘરું બની ગયું છે. આ ઉપરાંત રાત્રે ફૂટ ઓવરબ્રિજ પસાર કરી રેલવે સ્ટેશન તરફ ઉતરનારા લોકોને રેલવે પોલીસ દ્વારા દંડ કરવામાં આવતો હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે. ફૂટ ઓવરબ્રિજ પર લુખ્ખા તત્વોના આતંક દૂર કરવા પેટ્રોલિંગ કરવા માંગ થઈ છે.
રોગચાળો ફેલાવવાનો પણ ભય
આ ઉપરાંત ગંદકીની ફરિયાદો પણ સામે આવી છે.અહીંથી પસાર થતા લોકો પ્લાસ્ટિકની બેગ તેમજ ગુટખા ની પડીકીઓ નાંખી દેતા હોય છે. જેને કારણે ગંદકી ફેલાય છે. ઘણી વખત અહીંથી પસાર થતી વખતે અસહ્ય દુર્ગંધ પણ આવતી હોય છે જેને કારણે રોગચાળો ફેલાવવાનો પણ ભય રહેલ છે. આ સંજોગોમાં લોકોને હેરાનગતિ બંધ થાય અને સ્વચ્છતા જળવાય તે બાબતે તંત્ર કામગીરી કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.