Get The App

VIDEO | ગોધરા: દોરીના ગૂંચળા ₹220 પ્રતિ કિલો! પક્ષીઓના જીવ બચાવવા રતનપુર(કાં) ગામની અનોખી પહેલ

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO | ગોધરા: દોરીના ગૂંચળા ₹220 પ્રતિ કિલો! પક્ષીઓના જીવ બચાવવા રતનપુર(કાં) ગામની અનોખી પહેલ 1 - image


Save Birds Campaign in Godhra, Panchmahal : ઉત્તરાયણનો પર્વ પૂર્ણ થયા બાદ આકાશ ભલે સાફ થઈ ગયું હોય, પણ રસ્તાઓ, ઝાડ અને વીજળીના વાયરો પર લટકતી પતંગની ઘાતક દોરીઓ અબોલ પક્ષીઓ માટે 'મોતનો ફંદો' સાબિત થતી હોય છે. પક્ષીઓને આ જોખમથી બચાવવા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર (કાં) ગામના ગ્રામજનોએ એક પ્રેરણાદાયી અભિયાન હાથ ધર્યું છે.


'નકામી દોરીના ગૂંચળા લાવો, રોકડ ઇનામ મેળવો' 

સામાન્ય રીતે લોકો ઉતરાયણ પછી નકામી દોરીના ગૂંચળા ફેંકી દેતા હોય છે, પરંતુ રતનપુરના ગ્રામજનોએ આ દોરીને એકઠી કરવા માટે આર્થિક પ્રોત્સાહનનું મોડેલ અપનાવ્યું. ગામના અગ્રણીઓ અને વિવિધ ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જે કોઈ પણ વ્યક્તિ રોડ, ગલીઓ, ધાબા કે ઝાડ પર ફસાયેલી દોરીના ગૂંચળા એકઠા કરીને લાવશે, તેને પ્રતિ કિલો ₹220 રોકડ રકમ ચૂકવવામાં આવશે.

એક જ દિવસમાં 8 કિલોથી વધુ દોરી એકઠી થઈ

આ અનોખા અભિયાનમાં ગામના બાળકોથી લઈને વડીલો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા. આજે 16 જાન્યુઆરી, 2026 ના રોજ ગામના યુવાનો અને બાળકોએ મળીને આશરે 8 કિલો 400 ગ્રામ જેટલી ઘાતક દોરી એકઠી કરી હતી. આ દોરી પક્ષીઓ માટે જોખમી ન બને તે હેતુથી તેનો સુરક્ષિત રીતે સળગાવીને નાશ કરવામાં આવ્યો હતો.

સેવા સાથે સન્માન: નાસ્તો અને રોકડ પુરસ્કાર

આ ભગીરથ કાર્યમાં સહભાગી થનાર દરેક ગ્રામજનને માત્ર રોકડ રકમ જ નહીં, પરંતુ નાસ્તો કરાવીને તેમનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું. ગ્રામ અગ્રણીઓએ અપીલ કરી હતી કે, "ઉત્તરાયણ પછી ધાબા અને આસપાસના વિસ્તારોમાં પડેલી દોરી પક્ષીઓની પાંખો કાપી નાખે છે. જો આપણે થોડી જાગૃતિ દાખવીએ, તો અનેક પક્ષીઓના જીવ બચાવી શકાય છે."

આ પણ વાંચો: અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહીયાળ જંગ! ફતેવાડી અને મકરબામાં નજીવી બાબતે હિંસક હુમલા

પર્યાવરણ અને જીવદયાનો ઉત્તમ સંદેશ

રતનપુર(કાં) ગામની આ પહેલ માત્ર પક્ષીઓના રક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સ્વચ્છતા અને સામુદાયિક જવાબદારીનો પણ સંદેશ આપે છે. ગામના આ અભિયાનની આસપાસના વિસ્તારોમાં પણ ભારે પ્રશંસા થઈ રહી છે. લોકો હવે પોતાના ધાબા અને બારી-બારણાંની સાફ-સફાઈ કરીને પક્ષીઓ માટે સલામત વાતાવરણ ઊભું કરી રહ્યા છે.