Ahmedabad News : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે કસ્ટમના અધિકારીઓએ શનિવારે (4 ઓક્ટોબર) દુબઈથી આવેલા એક ભારતીય નાગરિકના કપડાંમાં છુપાયેલો લગભગ અડધો કિલોગ્રામ પાવડર સ્વરૂપમાં રૂ.59.7 લાખ કિંમતનું સોનું જપ્ત કર્યું છે. કસ્ટમના અધિકારીએ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કસ્ટમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદ ઝોનલ યુનિટ (AZU)ના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા શેર કરાયેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુસાફર દુબઈથી અમીરાતની ફ્લાઇટ EK540માં શહેરમાં આવ્યો હતો. કસ્ટમની ટીમે મળેલી માહિતીના આધારે, શંકાસ્પદ મુસાફરને ઝડપી પાડ્યો હતો અને આરોપીના સામાનની તપાસ છુપાયેલ સોનું મળી આવ્યું હતું.
જેમાં કસ્ટમ અધિકારીઓને મુસાફર દ્વારા પહેરવામાં આવેલા જીન્સના નીચેના ભાગમાં ફેબ્રિકના બે સ્તરો વચ્ચે છુપાયેલ પાવડર અથવા પેસ્ટ સ્વરૂપમાં સોનું મળી આવ્યું હતું. ઝડપાયેલું સોનું 491.4 ગ્રામ વજનના શુદ્ધ 24-કેરેટ હતું. સમગ્ર મામલે કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરોપી દુબઈ અને અમદાવાદ વચ્ચે કાર્યરત મોટા દાણચોરી સિન્ડિકેટ વતી કામ કરી રહ્યો હતો કે કેમ તે નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.


