તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હતા રૂપિયા
Ahmedabad News : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન સંપર્ક દ્વારા નકલી ભારતીય ચલણી નોટો મંગાવવા અને શહેરમાં તેને ફેલાવવાનો પ્રયાસ કરવાના આરોપસર શુક્રવારે (3 ઓક્ટોબર) નાના ચિલોડાના એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. યુવકે નોઈડાથી કુરિયર કરીને રૂપિયા મંગાવ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ
અમદાવાદના નાના ચિલોડાના હર્ષદનગરના રહેવાસી અમન ઉર્ફે બાબુ વિનોદભાઈ શર્મા (ઉં.વ.19) તરીકે ઓળખાતા આરોપીને મોડી સાંજે સાબરમતી નદીના ખાડા પાસે એક કાર્યવાહી દરમિયાન રૂ.37,300ની કિંમતની 373 નકલી 100 રૂપિયાની નોટો, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી સાથે પકડવામાં આવ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે લીલા રંગના ટ્રાઉઝર અને રાખોડી-સફેદ પટ્ટાવાળા શર્ટ પહેરેલા એક વ્યક્તિ સાબરમતી નદીના ખાડાની સામેના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પાસે નકલી ચલણી નોટોના પાર્સલ સાથે ઉભો છે. આ પછી માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરીને અમદાવાદના નાના ચિલોડાના હર્ષદનગરના રહેવાસી અમન ઉર્ફે બાબુ વિનોદભાઈ શર્મા (ઉં.વ.19) તરીકે ઓળખાતા આરોપીને મોડી સાંજે સાબરમતી નદીના ખાડા પાસેથી રૂ.37,300ની કિંમતની 373 નકલી 100 રૂપિયાની નોટો, મોબાઇલ ફોન સહિતના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યો હતો.
અમદાવાદના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના વૈજ્ઞાનિક અધિકારી દ્વારા જપ્ત કરાયેલી નોટોની તાત્કાલિક તપાસ કરવામાં આવી, જેમણે પુષ્ટિ કરી કે નોટો પ્રથમ દૃષ્ટિએ નકલી હતી. જેમાં અસલી નોટોની તુલનામાં કદ અને કાગળની ગુણવત્તામાં તફાવત હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત નમન નામના વ્યક્તિ સાથે સંપર્ક કરીને વોટ્સએપ દ્વારા નકલી નોટો મંગાવી હોવાની કબૂલાત કરી હતી. તેણે કથિત રીતે ઓનલાઈન ચુકવણી કરી હતી અને DTDC કુરિયર સેવા દ્વારા પાર્સલ મેળવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ નકલી નોટો અને કાવતરું રચવાનો કેસ નોંધ્યો છે, અને નોઈડા સ્થિત સપ્લાયર અને અન્ય સંભવિત સાથીદારોને શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.