Get The App

ગુજરાતના મંત્રીમંડળમાં 18 વર્ષથી 'સોલંકી'કાળ યથાવત: આખરે 'પરસોત્તમ' સરકાર માટે કેમ છે 'ઉત્તમ'?

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના મંત્રીમંડળમાં 18 વર્ષથી 'સોલંકી'કાળ યથાવત: આખરે 'પરસોત્તમ' સરકાર માટે કેમ છે 'ઉત્તમ'? 1 - image

Parshottam Solanki : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન નથી અપાયું. જેમાં અત્યારસુધીમાં ચાર મુખ્યમંત્રી અને અનેકવખત મંત્રીમંડળ બદલાયું છતાં પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2007થી સતત મંત્રી રહી ચૂક્યા છે કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકી. તેમણે રાજકીય કારકીર્દીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. ગુજરાતનું નવું મંત્રીમંડળ બનાવાયું છે. જેમાં ભાવનગર ગ્રામ્ય મતવિસ્તારના ધારાસભ્ય પરષોત્તમ સોલંકીનું મંત્રીપદમાં સ્થાન યથાવત્ છે. આ વખતે પણ તેમને મત્સ્ય ઉદ્યોગ જ ફાળવવામાં આવ્યો છે.

કોણ છે પરષોત્તમ સોલંકી?

ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી સમાજના પ્રભુત્ત્વવાળા મતવિસ્તારમાં પરષોત્તમ ઓધવજીભાઈ સોલંકીની સારી પકડ છે. તેઓ 1998થી ભાવનગર ગ્રામીણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. પહેલા ઘોઘા બેઠક પરથી અને ત્યારબાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી જતાં તેઓ ગ્રામ્યમાંથી જીતતા આવ્યા છે. 

આ પણ વાંચો: કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: 'અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?' કોંગ્રેસનો સરકારને સવાલ

1998માં ઘોઘા બેઠક પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા

પરસોત્તમ સોલંકી 1996માં અપક્ષમાંથી ભાવનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. જોકે આ પછી વર્ષ 1997માં ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તેમને ભાજપમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. આમ ભાજપમાં જોડાયા બાદ પરસોત્તમ સોલંકી વર્ષ 1998માં પહેલીવાર ઘોઘા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2002, 2007, 2012 અને 2017માં પણ ચૂંટાયા હતા. જોકે, સીમાંકન બાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી હતી. જેથી બેઠક બદલાતા વર્ષ 2012, 2017 અને 2022માં પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યમાંથી ચૂંટણી જીતતા છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા હતા. 

ક્યારે પહેલી વખત મંત્રી બન્યા?

પરષોત્તમ સોલંકીને વર્ષ 2007માં પહેલી વખત મત્સ્યોદ્યોગ અને પશુપાલનના રાજ્યકક્ષાના મંત્રી બનાવામાં આવ્યા હતા. આમ તેમની રાજકીય કારકિર્દીમાં વર્ષ 2007થી સતત ગુજરાત સરકારના મંત્રીમંડળનો ભાગ રહ્યા છે. 

નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, વિજય રુપાણી, ભૂપેન્દ્ર પટેલ એમ ચાર વખત મુખ્યમંત્રી બદલાયા પણ તમામ મુખ્યમંત્રીઓની કેબિનેટમાં પરષોત્તમ સોલંકીને સ્થાન મળ્યું. આટલા વર્ષોમાં અનેક વખત કેબિનેટ પણ બદલાઈ, જોકે પરષોત્તમ મંત્રી પદે યથાવત્ રહ્યા.

આ પણ વાંચો: ગુજરાતના નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક શરૂ, ટૂંક સમયમાં મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરાશે

વર્ષ 2008માં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરષોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપ્યા હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં મત્સ્યઉદ્યોગમંત્રી તરીકે સોલંકી પર નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર 58 જળાશયોમાં માછીમારીના કૉન્ટ્રેક્ટ આપી દેવાનો આરોપ લાગ્યો હતો.