પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા
Rain in Panchmahal: પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શનિવારે (30મી ઓગસ્ટ) મોડી રાતે ધમાકેદાર વરસાદ શરૂ થતા ચાર કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે, રસ્તા પર બે ફૂટ કરતા પણ વધારે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ખોજલવાસા ગામમાં ધમાકેદાર વરસાદ વરસતા એક કાચું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું. તો શહેરામાં વરસાદી માહોલ વચ્ચે પણ ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શહેરામાં એક કાચું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત
પંચમહાલ જિલ્લામા શહેરાના ખોજલવાસા ગામમાં મોડી રાતે ધમાકેદાર વરસાદ વરસતા એક કાચું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું. રાત્રી દરમિયાન 42 વષીય કૈલાશબેન બારીયા મકાનમાં સુઈ રહી હતી. આ દરમિયાન ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતાં સૂઈ રહેલી મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા સરપંચ તલાટી સહિતનાઓને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,મહિલાના પતિ અંબાજી પદયાત્રા ગયા હોવાથી મહિલા એકલી સુઈ રહી હતી.
વરસાદી માહોલ વચ્ચે ગણેશ મહોત્સવના પંડાલમાં ડાયરાની મોજ
મળતી માહિતી અનુસાર, ડગબર સમાજ દ્વારા ગણેશ મહોત્સવ પંડાલમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરામાં ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. જો કે, વરસાદી માહોલ વચ્ચે ગણેશ મહોત્સવના પંડાલમાં ડગબર સમાજના લોકોએ ડાયરાની મોજ માડી હતી.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે પંચમહાલના તમામ જળાશયો છલોછલ થયા છે. મોરવા હડફ તાલુકાના હડફ ડેમના તમામ દરવાજા ખોલાયા હતા. ડેમમાંથી 26,880 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું હતું અને નદી કિનારાના ગામે સાવચેત કરાયા હતા. હાલ ડેમનું લેવલ 165.90 મીટર, જ્યારે ડેમનું રૂલ લેવલ 166.11 મીટર રાખવામાં આવ્યું છે.
રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28મી ઓગસ્ટની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: દાહોદના સિંગવડમાં 4 કલાકમાં અઢી ઈંચ વરસાદ, અમદાવાદમાં દોઢ ઈંચ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 78.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70થી 100 ટકા, 25 ડેમ 50થી 70 ટકા, 20 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ ઍલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.