દાહોદના સિંગવડમાં 4 કલાકમાં અઢી ઈંચ વરસાદ, અમદાવાદમાં દોઢ ઈંચ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
Gujarat Rain: દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, દાહોદના સિંગવડમાં રવિવારે (31મી ઓગસ્ટ) સવારથી વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં અઢી ઈચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અમદાવાદમાં 1.54 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે દાહોદમાં પણ 1.3 ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે રવિવારે (31 ઑગસ્ટ) 19 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
પહેલી અને બીજી સપ્ટેમ્બરની આગાહી
આગામી પહેલી અને બીજી સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
ત્રીજી સપ્ટેમ્બરની આગાહી
ત્રીજી સપ્ટેમ્બરે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
ચોથી સપ્ટેમ્બરની આગાહી
ચોથી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં તાપી અને ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, નવસારી અને વલલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28મી ઓગસ્ટની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 78.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70થી 100 ટકા, 25 ડેમ 50થી 70 ટકા, 20 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ ઍલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.